પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
પુણ્ણિકા



“દેડકું, કાચબો, સાપ, મગર, ઇત્યાદિ પાણીમાં રહેનારાં સર્વ પ્રાણીઓ, સ્વર્ગેજ જવાનાં છે કે શું ?

“બકરાં મારનારા, ડુક્કર મારનારા, માછલાં મારનારા કોળી, પારધી, ચોર, ફાંસીની શિક્ષા થઈ હોય તે માણસો અને બીજા પાપી લોકો સ્નાન કર્યાથી પાપકર્મથી મુક્ત થશે કે શું ?

“હે બ્રાહ્મણ ! આ નદીઓ જો તારૂં પાપ વહીને લઈ જશે, તો તે સાથે પુણ્ય પણ લઈ જશે, એટલે તારૂં પુણ્ય પણ જશે.

“માટે હે બ્રાહ્મણ ! જે પાપના ભયથી તું નિત્ય આ પાણીમાં ઊતરે છે, તેજ પાપ તું કરીશ નહિ. અમસ્તો ઠંડીથી તારા શરીરને દુઃખી શા માટે કરે છે ?”

પુણ્ણિકાનો આ ઉપદેશ સાંભળીને, બ્રાહ્મણ સંતુષ્ટ થયો અને એક વસ્ત્ર લઈને તેની પાસે આવ્યો અને તેને કહ્યું: “હે પણ્ણિકે ! તેં મને કુમાર્ગેથી સુમાર્ગે વાળ્યો, માટે આ વસ્ત્ર હું તને આપું છું.”

પુણ્ણિકા બોલી: “હે બ્રાહ્મણ ! તારૂં વસ્ત્ર તારી પાસેજ રહેવા દે, હું તે લેવા ઇચ્છતી નથી. તું જો દુઃખથી બીતો હોય, તને દુઃખ અપ્રિય હોય, તો એકાંતમાં કે લોકસમૂહમાં તું પાપકર્મ કરીશ નહિ.

“જો તું પાપકર્મ કરે છે અગર કરીશ તો ગમે ત્યાં નાસી જઈશ, તોપણ તું દુઃખથી મુક્ત થવાનો નથી.

“જો તું દુઃખથી બીતો હોય, તને જો દુઃખ અપ્રિય હોય, તો તું બુદ્ધને અને તેના સંઘને શરણે જા. શીલના નિયમ પાળવાથીજ તારૂં કલ્યાણ થશે.”

આ ઉપરથી તે બ્રાહ્મણ બૌદ્ધમત્તાનુયાયી થયો. સાધ્વી પુણ્ણિકાના ઉપદેશથી સન્માર્ગે ચડેલો એ બ્રાહ્મણ આગળ જતાં મોટો સાધુ થયો, ત્યારે તેણે ઉદ્‌ગાર કાઢ્યા કે, “પહેલાં હું માત્ર નામનોજ બ્રાહ્મણ હતો, પરંતુ હવે ખરો બ્રાહ્મણ થયો છું. કારણ હવે હું ત્રૈવિધ (બૌદ્ધધર્મમાં કહેલી ત્રણ વિદ્યા જાણનારો) છું, વેદસંપન્ન અને જ્ઞાનસંપન્ન છું. હું પુરોહિત (સ્વસ્તિ સુખના લાભવાળો) છું, સ્નાતક (મુક્ત) છું, ધન્ય છે ! વિપથગામીઓને સત્પથગામી કરનારી પુણ્ણિકા જેવી દેવીઓને !❋[૧]


  1. ❋‘જ્ઞાનસુધા’ પૃ. ૨૪, અંક ૧૧ માંના એક લેખમાંથી સાભાર ઉદ્ધૃત.