પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
અંબપાલી ગણિકા



પહેલેથીજ ગણિકાનું આમંત્રણ સ્વીકારી ચૂક્યા હતા, એટલે તેમને એ ધનિક શેઠિયાઓને ના કહેવી પડી. એ શેઠિયાઓની એવી ઈચ્છા હતી કે, બુદ્ધદેવ ગણિકાનું આમંત્રણ પાછું ઠેલે. તેમણે એટલા સારૂ ઘણી દલીલ કરી અને દલીલથી ન ફાવ્યા ત્યારે નમ્રતાપૂર્વક ઘણાજ કાલાવાલા કર્યા; ભેટની પણ ઘણી લાલચ બતાવી, પણ બુદ્ધદેવ કાંઈ આજકાલના લોભી આચાર્યો જેવા થોડા હતા કે, એવી લાલચોથી ધનવાનનું માન રાખીને ગરીબ ભક્તનો અનાદર કરે ? રાજ્યવૈભવને તો એ પહેલીથીજ લાત મારી ચૂક્યા હતા. હવે એમને ધનની શી પરવા હતી ? તેમણે એ યુવકોને સ્પષ્ટ રીતે કહી દીધું કે, “તમે મને આખું વૈશાલી નગર અર્પણ કરી દો, તો પણ હું અંબપાલી ગણિકાના નિમંત્રણનો અસ્વીકાર કરી શકું એમ નથી.” એ ધનવાન યુવકો બુદ્ધદેવની વિરુદ્ધ બબડતા ઘેર ગયા.

બીજે દિવસે બુદ્ધદેવ પ્રાતઃકાળમાં નિત્યનિયમથી પરવારીને ત્રણ વસ્ત્ર પહેરીને, શિષ્યો સાથે અંબપાલીને ઘેર પધાર્યા.

અંબપાલીએ ગણિકાના ધંધામાં અઢળક ધન પેદા કર્યું હતું. તેનું ઘર એક રાજાના મહેલ જેવું ભવ્ય હતું. ઘરની આસપાસ સુંદર બગીચો લાગ્યો હતો. આજ બુદ્ધદેવના સત્કારાર્થે તેણે ઘરને શણગારવામાં કાંઈ મણા રાખી નહોતી. જાતજાતનાં ભોજનો તેમને સારૂ તૈયાર કર્યા હતાં એ સ્વાદિષ્ટ ભોજનથી તેણે બુદ્ધદેવને તૃપ્ત કર્યા. ભોજન કરી રહ્યા પછી હાથ જોડીને ભગવાન બુદ્ધને નિવેદન કર્યું કે, “મહારાજ ! મારા આ બાગબગીચા, મહેલ તથા અલંકાર એ બધું હું આપને તથા આપના સંઘને સમર્પણ કરૂં છું. આ ક્ષુદ્ર ઉપહારનો સ્વીકાર કરીને મારો અભિલાષ પૂર્ણ કરો.” બુદ્ધદેવે તેણે પ્રીતિપૂર્વક આપેલા ઉપહારનો સ્વીકાર કર્યો તથા તેને ઘણો ઉત્તમ ધર્મોપદેશ આપીને પોતાની શિષ્યા તરીકે દીક્ષિત કરી.

બુદ્ધદેવ એ નગરીમાંથી બીજે સ્થળે પધાર્યા પણ અંબપાલી ગણિકા નવજીવન પ્રાપ્ત કરીને જનસમાજની સેવા કરવામાં તથા ધર્મનું ચિંત્વન કરવામાં પ્રવૃત્ત થઈ.