પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
ચાપા


સુજાતને પણ એ સમયથી બુદ્ધદેવ તરફ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તેણે તેમની પાસે જઈને દીક્ષા લીધી. એ સમાચાર બનારસ શહેરમાં સુજાતની પત્ની પાસે પહોંચ્યા ત્યારે તેને ઘણો શોક થયો; પરંતુ સુંદરીએ કહ્યું કે, “પુત્રશોકને લીધે પિતાજીએ સંસારનો ત્યાગ કરીને સંન્યસ્ત ગ્રહણ કર્યું છે, તો હું પણ ભ્રાતૃશોકને લીધે પિતાનું અનુસરણ કરીને થેરીવ્રત ધારણ કરીશ.”

સુંદરીની માતાએ તેને ધનવૈભવની ઘણી લાલચ બતાવી પણ તે પોતાના સંકલ્પમાં દૃઢ રહી, એટલે માતાએ તેને સંસારત્યાગ કરવાની રજા આપી. કુમારી અવસ્થામાંજ સુંદરીએ દીક્ષા લીધી. ત્યાં આગળ એકાગ્રચિત્તે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યાથી તથા શાસ્ત્રાનુકૂળ આચરણ કરવાથી તે અર્હંત્‌પદને પામી. ત્યાર પછી એ ગુરુની આજ્ઞા લઈને બીજી કેટલીક ભિક્ષુણીઓની સાથે ધર્મોપદેશ કરવા નીકળી પડી, તેના ઉપદેશથી તેની માતા તથા બીજાં કેટલાંક સગાંસંબંધીઓએ પણ બુદ્ધદેવનું શરણું લીધું.

થેરી ગાથામાં ૩૧૨ થી ૩૩૭ સુધીના શ્લોક તેના રચેલા છે.

७९–चापा

યા જિલ્લાની દક્ષિણમાં જે વનભૂમિ છે તેનો એક ભાગ અતિ પ્રાચીન કાળમાં બંકહાર દેશના નામથી પ્રસિદ્ધ હતો. એ દેશમાં નાલ નામના એક ગામડામાં એક પારધીના ઘરમાં ચાપાનો જન્મ થયો હતો. ચાપાએ જ્યારે યૌવનમાં પ્રવેશ કર્યો, ત્યારે ઉપક નામના એક સંસારત્યાગી ભિક્ષુએ (બૌદ્ધ અથવા જૈન ધર્મનો નહિ) ચાપાના પિતાના ઘરમાં ભિક્ષા સારૂ આશ્રય લીધો હતો. એ પ્રકારના ભિક્ષુઓને આજીવક કહેતા હતા. આજીવક ઉપક, ચાપાના ઉપર પ્રેમથી આસક્ત થઈ ગયો અને તેના પિતાની રજા માગીને તેની સાથે પરણ્યો. ઉપકે સંન્યસ્તાશ્રમનો ત્યાગ કરીને ઘણા દિવસ સુધી મૃગ પકડનારા વ્યાધનું કામ કર્યું. પાછળથી ઉપક બૌદ્ધ ધર્મ ગ્રહણ કરીને થેર–સાધુ થયો. ચાપા પણ થેરી–સાધ્વી બની. થેરીગાથામાં ર૯૧થી ૩૧૧ સુધીના શ્લોક તેના રચેલા છે. એમાં એણે પોતાના પતિની કથા કહી છે.