પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
શુભા જીવંકબવનિકા



સહાનુભૂતિ અને લાલચ બન્ને બતાવવા માંડ્યાં અને કહ્યું: “તું નિષ્પાપ યુવતી છે ! તું શા માટે ભિક્ષુણી બની છે ! ભગવાં વસ્ત્ર કાઢી નાખ; આ રમ્યવનમાં ચાલ આપણે રમીએ. કુસુમિત વૃક્ષો મધુર સુગંધ પ્રસારી રહ્યાં છે. આ બેસતી વસંત ઋતુ છે; ચાલ આપણે પુષ્કળ સુખ ભોગવીએ. પવનના હલાવ્યાથી ફૂલવાળાં વૃક્ષો મૂળથી તે ટોચ સુધી હાલી રહ્યાં છે ! એકલી આ વનમાં ગયાથી તને શું સુખ મળવાનું છે ! નાના પ્રકારના મૃગ અહીંયાં ફરે છે, મસ્ત હાથીઓ અહીં ફરી રહ્યા છે. આવા દારુણ ભયંકર વનમાં તું એકલી શા માટે જાય છે ? સુવર્ણના જેવી ઝગમગતી સ્વચ્છ બનારસી સાડી પહેરીને ચિત્રરથમાં બેસીને, હે સુંદરિ ! તું અપ્સરાની પેઠે આ વનમાં ભ્રમણ કર ! હે કિન્નરલોચને ! મને આ સંસારમાં તારા જેટલું પ્રિય કોઈ નથી. હું તારો દાસ છું. હું તારી સાથે સાથે આ બગીચામાં ફરીશ. મારૂં કહ્યું માનીને મારે ઘેર ચાલીશ તો મહેલમાં નિવાસ કરવાનો મળશે, દાસીઓ સેવામાં હાજર રહશે. ઝીણી બનારસી સાડી પહેરીશ, ગળામાં કંઠાઓ ધારણ કરીશ, મુખ ઉપર સુગંધી પદાર્થ ચોળેલા હશે અને તારૂં આખું અંગ મોતી અને હીરાના દાગીનાઓથી શણગારવામાં આવશે. સુખડના પલંગ ઉપર, અત્તરો છાંટેલા, કોમળ બિછાના અને સુંદર ચાદરો તથા નવા ઓશીકા અને મચ્છરદાનીવાળી સેજ ઉપર તને સૂવાનું મળશે. આ દુનિયામાં કોઈને ન મળે એવું ખીલેલા કમળ જેવું અંગ બ્રહ્મચર્ય વડે શા સારૂ સૂકવી નાખે છે”

શુભાએ તેને ઉત્તર આપ્યો: “ભાઈ ! તને મારી ઉપર આટલો બધો અનુરાગ શાને ઊપજ્યો છે ? આ મારૂં શરીર તો શબપુરી છે. આ મારૂં કલેવર તો શ્મશાનની માટીમાંજ વધારો કરનારૂં છે, તો પછી એ શરીર ઉપર તું ભાન ભૂલી જઈને આટલો બધો મોહ કેમ પામી જાય છે ?”

પરંતુ આ શબ્દોની એ ધૂર્ત ઉપર કાંઈ અસર થઈ નહિ. એ અતિશય કામાસક્ત હતો.શુભાની કમલ સરખી આંખ, હરિણી શી ચાલ એ બધાનું પ્રશંસાપૂર્વક વર્ણન કરીને એણે પ્રેમભિક્ષા માગી. શુભાએ એ વખતે જરા ગુસ્સે થઈને કહ્યું: “કુમાર્ગે જવા માગે છે ? ચંદ્રમા સાથે રમવા માગે છે ? મેરુ પર્વતને કૂદી જવા માગે છે ? બુદ્ધ–સુતાને પોતાના ઘરમાં રાખવા માગે છે ? મૂર્ખ ચાલ્યો જા ! મને ભોગવિલાસ ભોગવવાની તૃષ્ણા જરાયે નથી. મારે આ