પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
ચારુમતી


શુદ્ધ બ્રહ્મચારિણીનું અપમાન કદી નહિ કરૂં. તને તારી દૃષ્ટિ ફરીથી પ્રાપ્ત થાઓ ! મારો અપરાધ ક્ષમા કરો. તેં મારા પાપને સખત ડંખ દીધો છે. સળગતા અગ્નિને મેં છાતી સરસો ચાંપ્યો છે. હલાહલ ઝેરી સાપને મેં હાથમાં પકડ્યો છે. હાય ! ભિક્ષુણિ ! મારી શી વલે થશે ? મને ક્ષમા કરો.”

ભિક્ષુણી શુભાએ પોતાનાં સત્કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરી. ભિક્ષુણીઓ ઉપર આ પ્રસંગો ન આવે એટલા માટે તેમણે એકલાં રહેવું નહિ એ બુદ્ધદેવે વિચારપૂર્વક નિયમ કર્યો હતો.

શુભાના ચરિત્ર ઉપરથી જણાઈ આવે છે કે, કોમળ સ્ત્રીજાતિ પણ પોતાના શિયળનો ભંગ થવાનો પ્રસંગ આવે ત્યારે કેવું દુઃખ સહન કરી શકે છે તથા તેનું અંતઃકરણ દૃઢ હોય તો કોઈ પણ પાપી તેનું સતીત્વ ભંગ કરવાને શક્તિમાન થતો નથી.

८२–चारुमती

સન્નારી ચક્રવર્તી રાજા અશોકની પુત્રી હતી. અશોકે તને ઘણું સારૂં શિક્ષણ આપ્યું હતું. બૌદ્ધધર્મનું પણ તેને ઉચ્ચ પ્રકારનું જ્ઞાન હતું. ઈ. સ. પૂર્વે ૨૫૦ માં અશોક રાજા નેપાલનાં તીર્થોની યાત્રા કરવા સારૂ ગયો હતો, તે સમયે ચારુમતી તેની સાથે હતી. ત્યાં આગળ તેણે દીક્ષા લીધી અને ભિક્ષુણી બની. તેના પતિનું નામ દેવપાલ ક્ષત્રિય હતું. સંસારના અનેક સુખ અને વૈભવનો ત્યાગ કરીને પવિત્ર સંન્યાસિની વ્રત એણે પસંદ કર્યું હતું. પિતા અશોક નેપાળની યાત્રાએથી પાછા ફર્યા પણ એ તો નેપાળમાંજ એક મઠમાં રહી. પતિ માટે તેને ઘણી ભક્તિ હતી. એ ભક્તિને કાયમનું મૂર્તિસ્વરૂપ આપવાના હેતુથી તેણે દેવપટ્ટણ નામનું નગર વસાવ્યું હતું. અશોકે એ નગરમાં પાંચ મોટા સ્તુપ બંધાવીને એની ગણના તીર્થસ્થાનોમાં કરી હતી. આ સ્તુપ તથા ચારુમતીએ બાંધેલા બીજા પવિત્ર સ્થાનો હજુ સુધી મોજૂદ છે અને ચારુમતીએ ગાળેલા ધર્મજીવનની સાક્ષી પૂરે છે. એનો મઠ પણ પશુપતિનાથની ઉત્તરે હજુ સુધી દીઠામાં આવે છે.