પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



માગીનેજ મારા જીવનનો નિર્વાહ કરીશ.” એ સાંભળીને ઈસિદાસીનાં માતપિતા તથા સગાંસંબંધીઓએ કહ્યું: “તમે ઘરમાંજ રહો. જે કાંઈ માગશો તે આપીશું.” તેણે કહ્યું: “મારા એકલાનું પેટ ભરવા જેટલું તો મને ગમે તે પ્રકારે મળી આવે એમ છે, તો પછી હું શા માટે અહીં રહું ? વળી એ પણ નિશ્ચિત છે કે હું ઈસીદાસી સાથે એકજ ઘરમાં કદી પણ રહેવાનો નથી.” દુઃખી બિચારી ઈસિદાસી ! એની શી અવસ્થા ! શ્રેષ્ઠ પતિવ્રતાને છાજે એવી રીતે તન, મન, ધનથી સેવા કર્યા છતાં એક પણ પતિએ તેને સંઘરી નહિ. પતિ ઘર છોડીને ચાલ્યો ગયો, એટલે એણે માતાપિતાને કહ્યું: મારા દુઃખ અને શરમનો પાર રહ્યો નથી, હવે તો મને મરવા દો કે સંસારનો ત્યાગ કરવાની રજા આપો.” એવામાં જિનદત્તા નામની પ્રસિદ્ધ ભિક્ષુણી ભિક્ષા માગતી માગતી ત્યાં જઈ પહોંચી. એ પરમ વિદુષી હતી તથા ધર્મશાસ્ત્રોને સારી રીતે જાણનારી હતી. વિનય–પિટક નામના પ્રસિદ્ધ બૌદ્ધગ્રંથનો એણે ખાસ અભ્યાસ કર્યો હતો. ઈસિદાસએ તેનો સત્કાર કર્યો; તેને બેસવાને માટે આસન બિછાવી આપ્યું તથા પગે લાગીને ભિક્ષા કરાવી. ભોજન કરીને આ ભિક્ષુણી તૃપ્ત થઈ એટલે એણે કહ્યું: “મારો વિચાર સંસારનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા લેવાનો છે. તેના પિતાએ એ સાંભળીને કહ્યું: “પુત્રી ઘેર રહીને પણ તું ધર્મ પાળી શકે છે, સાધુતા સાધી શકે છે અને સાધુ તથા દ્વિજજનોની સેવા કરી શકે એમ છે.” પરંતુ ઈસિદાસીનો સંકલ્પ દૃઢ હતો. એણે કહ્યું: "ના, પિતાજી ! મારે આ જન્મમાં જે દુ:ખ વેઠવું પડ્યું છે, વગરદોષે જે અપમાન સહન કરવું પડ્યું છે, તે અવશ્ય પૂર્વજન્મના કોઈ ગંભીર દોષની સજા છે; માટે હું સંસારનો ત્યાગ કરીને, રાતદિવસ ધર્મની સેવામાં રહીને પૂર્વજન્મનાં પાપનો ક્ષય કરીશ.”

પિતાને હવે પુત્રીના ઉન્નત માર્ગના પ્રયાણમાં વિઘ્ન નાખવું યોગ્ય લાગ્યું નહિ. તેમણે કહ્યું: “બેટા ! જા ત્યારે. બુદ્ધદેવ નરશ્રેષ્ઠ થયા છે. એમના ઉપદેશને અનુસરીને ધર્મલાભ કર; નિર્વાણ પ્રાપ્ત થવાથી તું નિષ્પાપ થઈશ.” માતપિતા અને જ્ઞાતિજનોને નમસ્કાર કરીને ઈસિદાસી વિદાય થઈ. તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હોવાથી અને ઊંચા પ્રકારનું શિક્ષણ તો પહેલેથીજ પ્રાપ્ત હોવાથી સાત દિવસની અંદર એણે ત્રિવિદ્યા પ્રાપ્ત કરી લીધી. એનું વ્રત