પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
સુમેધા



ઘણાં લોકો જાણતાં નથી. એમને તો જન્મવાનું સુખ જોઈએ છે. વળી એ બધાં સ્વર્ગ મેળવવાની ઈચ્છા રાખે છે, પણ એમને ખબર નથી કે સ્વર્ગનું સુખ પણ શાશ્વત નથી. એ પણ અનિત્ય અને ચંચળ છે અને એક દિવસ જતું રહેશે. સ્વર્ગસુખ ભોગવ્યા પછી પણું પાછા જન્મમરણના ચક્રમાં આવવું પડે છે, એનો એ લોકો વિચાર નથી કરતા. એ લોકોનો ચાર પ્રકારનો વિનિપાત–પડતી થાય છે; અર્થાત્ નરક, પશુજન્મ, પ્રેતજન્મ અને રાક્ષસજન્મ એ ચારમાંથી એક પ્રકારની ગતિ ભોગવવી પડે છે. કેટલાકને બે પ્રકારની ઉચ્ચ ગતિ અર્થાત્ મનુષ્યજન્મ અને દેવતાજન્મ મળે છે, વિનિપાન થયા પછી આ સંસારની મોહજાળમાંથી છુટકારો પણ મળતો નથી અને પ્રવજ્યા પણ લેવાતી નથી. નિશ્ચય મનુષ્યની અધોગતિ થાય છે; માટે હે માતપિતા ! મારી ઇચ્છા તો દશ પ્રકારના બળવાળા બુદ્ધદેવના વિધાન અનુસાર પ્રવજ્યા લેવાની છે.

“બુદ્ધદેવનાં દશ બળ આ પ્રમાણે છે:— (૧) સત્ય અને અસત્યનું જ્ઞાન, (૨) કર્મના ઉદ્ભવ તથા પરિણામ, (૩) ઇષ્ટ સાધનમાં પટુતા, (૪) ભૂતજ્ઞાન, (૫) પ્રવૃત્તિની ગતિ અને કાર્ય, (૬) મનુષ્યની આત્મશક્તિ, (૭) વિનય સાધવાનો માર્ગ, (૮) પૂર્વજન્મ, (૯) દિવ્ય ચક્ષુ અને (૧૦) મુક્તિ. જન્મમરણનો નાશ કરવાની ઇચ્છા હવે તો મને થઈ છે. આ અસાર શરીરનાં ‘સાંસારિક’ સુખ મારે જોઇતાં નથી. ભવની બધી તૃષ્ણાઓને રોકીને હું તો સંસાર ત્યજીને પ્રવજ્યામાં ચાલી જઈશ. અશુભ કાળ જતો રહ્યો છે; બુદ્ધદેવના જન્મથી શુભ ક્ષણ આવી પહોંચી છે. મારી ઈચ્છા છે કે આ જન્મમાં બ્રહ્મચર્ય અને શીલધર્મનો કદી ત્યાગ ન કરૂં. હવે હું ભૂખી મરીશ, પણ આ ઘરમાં ભોજન નહિ કરૂં.”

સુમેધાને મુખેથી વારંવાર આવી ને આવીજ સંસારત્યાગ કરવાની વાત સાંભળ્યાથી તેની માતાનું હૈયું ભરાઈ આવ્યું. એ રોકકળ કરવા લાગી. પિતાને પણ ઘણી વેદના થઈ અને સુમેધા ધરતી પર પડી હતી, ત્યાંથી એને ઉઠાડીને શિખામણ આપવા લાગ્યા કે, “દીકરિ ! ઊઠ, જરા વિચાર તો કરી જો. મેં રૂપ, ગુણ અને સંપત્તિમાં યોગ્ય પતિ સાથેજ તારો વિવાહ કરવાનો વિચાર કર્યો છે, રાજા અનિકર્તના કરમાં તને સમર્પણ કરવાનો મારો અભિલાષ છે. એ રાજા પણ હર્ષપૂર્વક તારો સ્વીકાર કરશે અને તેને પટરાણી બનાવીને પ્રેમપૂર્વક રાખશે. બ્રહ્મચર્ય, પ્રવ્રજ્યા અને