પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



શીલધર્મ ઘણાં કઠિન છે. હે પુત્રિ ! આ યૌવનમાં તું પ્રભુતા અને ધનૈશ્વર્યના ભોગ અને સુખ પ્રાપ્ત કર; રાજ્યનો ઉપભોગ કર.” સુમેધાના ચિત્ત ઉપર પિતાના આ ઉપદેશની કાંઈજ અસર થઈ નહિ, તણે દૃઢતાપૂર્વક કહ્યું: “હું આ અસાર સંસારને હવે ભજવાની નથી. હું તો હવે પ્રવ્રજ્યા ધારાણ કરીશ. એમ નહિ કરવા દો, તો એના કરતાં મરણને પસંદ કરીશ. આ દેહ જેને તમે પરણાવવા માગો છો, જેને રાજા અનિકર્ત પ્રેમપૂર્વક પોતાનો બનાવવાની ઈચ્છા રાખે છે, તે શું છે ? એ તો ગંધ મારતો, ભયંકર અપવિત્ર પદાર્થ છે. શબની પેઠે મળમૂત્રનું એ ઘર ત્યાગ કરવા લાયક છે. એને તો સ્વામી કેવી રીતે ગ્રહણ કરશે ? માંસ અને લોહીથી ઢાંકેલા આ પિંડનેજ તમે દેહ કહો છો ને ? એ તો કીડાઓનું ઘર છે. ગીધ આદિનું ભોજન છે. એને તો કોણ કન્યાદાનમાં આપી શકે ? ‘વિજ્ઞાન’ જતું રહ્યા પછી આ શરીર સ્મશાનમાં નાખી દેવામાં આવે છે, ત્યારે ફેંકી દીધેલા જુના લાકડાં જેટલી એની કિંમત છે. જ્ઞાનીજનો પણ એના સામું જોવાનું પસંદ કરતાં નથી. તેઓ બીજા જીવોના ભક્ષ્યરૂપ આ દેહને છોડી દઈને સ્નાન કરીને ચાલ્યા જાય છે. માબાપ પણ એજ કરે છે, તો બીજાનું તો પૂછવું જ શું ? હાડકાં અને નાડીઓથી ભરેલા આ દેહરૂપી ઘરમાં બધે ઠેકાણે અપવિત્રતા, ગંદકી ભરેલી છે. એનો તો વળી આદર કોણ કરે ? આ દેહને જો ઉકેલી ઉથલાવી નાખવામાં આવે, તો એની અંદરથી એવી અસહ્ય દુર્ગંધ નીકળે કે, પોતાની જનેતા પણ ત્યાંથી દૂર નાસે. આ તો તમારૂં શરીરરૂપી પૂતળું છે. દેહ એ તો જન્મ અને મૃત્યુમય પદાર્થ છે. અને જન્મ લેતાં પણ દુઃખ થાય છે; માટે જ મારી વિવાહ કરવાની મુદ્દલ ઈચ્છા નથી.

“લગ્ન કરીને સંસારનું સુખ ભોગવવા કરતાં તો હું સો વર્ષ સુધી દરરોજ ભાલા ખોસીને મને મારી નાખે તે વધારે પસંદ કરૂં. બુદ્ધદેવનો પવિત્ર ઉપદેશ જાણનાર માણસને ભાલાના ઘા ખમવા સહેલા છે. આ સંસારના લાંબા ફેરામાં મૃત્યુ ફરી ફરીને આવે છે. દેવ જન્મ, નરજન્મ, પશુયોનિ, અસુરદેહ, પ્રેતરૂપ એ પ્રમાણે કર્માનુસાર અનેક જન્મ ધારણ કરવા પડે છે અને અનંત દુઃખ વેઠવાં પડે છે. દેવજન્મ ધારણ કર્યાથી પણ નિર્વાણ મળતું નથી. જન્મમરણના ફેરામાંથી છૂટવા માટે જે માણસ બુદ્ધનાં વચન પાળે છે, તેજ નિર્વાણ પામે છે. આ અસાર ભોગવિલાસથી શું