પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
સુમેધા



વળવાનું છે ? પિતાજી હું તો આજેજ ઘરનો ત્યાગ કરીને ચાલી જાઉં છું. ઊલટી કરેલા ભોજનની સમાન એ બધા ભોગવિલાસ ઘૃણા કરવા યોગ્ય છે. એ અસાર વસ્તુ મારે નથી જોઈતી.”

પિતાપુત્રી વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ ચાલી રહ્યો હતો, એવામાં અનિકર્ત રાજા પણ પોતેજ પસંદ કરેલી કન્યાને મળવા તથા લગ્નની બાબતમાં તેની સંમતિ લેવા સારૂ પ્રેમપૂર્વક એ નગરમાં આવી પહોંચ્યો. સુમેધાએ એના આવ્યાની પણ પરવા ન કરતાં પોતાના નિશ્ચય અનુસાર લાંબા કાળા અંબોડાને છરી વડે કાપી નાખ્યો અને બધાની વાતચીતને રોકીને ધ્યાનમગ્ન થઈ ગઈ. એકાગ્રચિત્તે જગતની અનિત્યતા સંબંધી વિચાર કરવા લાગી. રાજાને નગરમાં પેસતાં સુમેધાના વિચારો જાણ્યામાં આવ્યા, એટલે એ જે સ્થળે સુમેધા ધયાન ધરી રહી હતી ત્યાં ગયો અને પોતાના સુવર્ણ તથા મણિમાણિક્યથી અલંકૃત દેહ વડે હાથ જોડીને યાચના કરવા લાગ્યો:—

“આ યૌવનકાળમાં તો હે સુંદરિ ! તું મારી રાણી થા અને ધન તથા વૈભવનું સુખ ભોગવ. આ દુનિયામાં ભોગ અને સુખ દુર્લભ પદાર્થ છે. તું શાંતિપૂર્વક રાજ્યસુખ ભોગવ. મરજીમાં આવે તેને દાન આપ. મારો આ ખજાનો તારા હાથમાં રહેશે. તારા મનમાં ઊલટા વિચાર આણવા છોડી દે. જો, તારાં માતાપિતા તારા સંસારત્યાગની વાત સાંભળીને મરવા પડ્યાં છે !”

સુમેધાએ કહ્યું: “મારે તમારાં સુખ અને વૈભવ નથી જોઈતાં. મને એમાં જરાયે મોહ રહ્યો નથી. ભોગની વાસનામામ્ મને હવે ન ધકેલશો. ભોગમાં તો દુઃખ ભોગવ્યા વગર છૂટકો જ નથી. તમે ભારતવર્ષનો પ્રાચીન ઈતિહાસ કેમ વીસરી જાઓ છો ? ચારે દ્વીપના અધિપતિ મહારાજા માંધાતા કેવા શ્રેષ્ઠ પુરુષ હતા ? એમના જેટલું ધન તથા વૈભવ કોની પાસે હતાં ? છતાં પણ એ નરપતિ મરી ગયો અને તેની લાલસા આ દુનિયામાં તો પૂરી ન થઈ. દશે દિશાઓમાં સ્ત્રીરત્નનો વરસાદ વરસે તોપણ ભોવિલાસથી કોઈને તૃપ્તિ થતી નથી. એ બધું ત્યજીને મનુષ્યો મરી જાય છે. હે ભૂપ ! ભોગ તલવાર સમાન છે, ભોગ શૂલ સમાન છે, ભોગ નાગની ફેણ સમાન છે, ભોગ અગ્નિની ઝાળની પેઠે બાળનારા છે, આ રૂપ હાડકાંના માળા જેવું છે, ભોગ અને સુખ અનિત્ય