પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



અને અધ્રુવ છે, દુઃખપ્રદ અને મહા ઝેરીલાં છે, તપાવેલા લોખંડના દડાના જેવાં છે. એ તે સદા પાપનોજ ઉદય કરે છે. વૃક્ષ ઉપર ચઢીને ફળ તોડવા જતાં માણસ પડી જાય છે, એજ પ્રમાણે કામભોગનું છે. માંસનો ટુકડો લેવા સારૂ પક્ષીઓ જેવી રીતે પરસ્પર લડાઈ કરે છે એજ પ્રમાણે ભોગની બાબતમાં બને છે. ઉધાર માગીને કોઈ ચીજ લાવ્યા હોઈએ તે જેમ પાછી ન આપીએ ત્યાં સુધી ઉદરાવો રહે છે, તેમજ ભોગના સંબંધમાં છે. એ ભોગ સ્વપ્નની પેઠે છેતરનારા છે. કામભોગ તીવ્ર બાણસમા, દારુણ રોગ જેવા અને વિસ્ફોટક સમા છે. તપાવેલા અંગારા સમા એ ભીષણ છે. પાપ અને મૃત્યુમય હોવાથી ભચાનક છે. આ જિંદગીમાં મેં બતાવ્યાં એવાં અનેક દુઃખ આવી પડે છે, અનેક અડચણો નડે છે; માટે મને સંસારમાં જરાયે વિશ્વાસ નથી રહ્યો. તમે ઘેર જાઓ. મારા માથામાં જ્યારે આગ લાગી રહી છે, ત્યારે બીજું કોઈ મને શું કરી શકવાનું હતું ! જરા અને મૃત્યુ મને બાંધવા આવ્યાં છે. હું તેમનો નાશ કરવા તત્પર રહીશ.” આ પ્રમાણે કહીને સુમેધા ઘર બહાર નીકળવા લાગી. જોયું તો ઉમરા ઉપર બેસીને માતપિતા અને રાજા અનિકર્ત રોઇ રહ્યાં છે. એ જોઇને સુમેધાને એમના અજ્ઞાન અને મોહ ઉપર દયા આવી. મોહવવશ થઈને રુદન કર્યાથી કેટલી હાનિ થાય છે, સંસાર કેવો અનિત્ય છે, દુઃખથી ભરેલો છે એ બધુ મર્મસ્પશી ભાષામાં સમજાવ્યું. રાજા અનિકર્તને પણ સમજાવ્યું કે, રાજાઓને સંસારમાં રહ્યાથી બીજા રાજા, અગ્નિ, ચોર અને જળનો ભય રહે છે. ઉપરાંત પણ બીજા અનેક શત્રુઓથી ભરેલા સંસારમાં ફસાઈ રહેવાની ઈચ્છા કોણ કરે ? મોક્ષ સામે હોવા છતાં બંધનમાં પડવાનું કોણ પસંદ કરે ? આ સંસારમાં કામનાઓની સાંકળથી તમે બંધાયલા છો. એ સાંકળને તોડી નાખીને તમે વાસનાઓને દબાવો. ફરી ફરીને કહું છું કે, ભોગમાં અતિશય અને પાર વગરનું દુઃખ છે. ચિત્ત સદા ચિંતાઓથી ભરેલું રહે છે. એ અધ્રુવ કામભોગનો ત્યાગ કરો. એનાથી કેવલ દુઃખજ ઊપજવાનું છે, બીજું કાંઈ નથી. અજર ધર્મમાર્ગ આ રહ્યો. જે કામનાઓ થોડા વખતમાં જૂની પડી જાય છે તે કામનાઓ–વાસનાઓને લઈને તમે શું કરશો ? એ કામનાઓ તો મૃત્યુ અને વ્યાધિઓને આણશે અને ફરી ફરીને જન્મ લેવો પડશે. ધર્મનો માર્ગ અજર, અમર, શોક વગરનો,