પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
સુમેધા



અમૃતમય, શત્રુહીન, રોકટોક વગરનો, કોઈ ખસેડે નહિ એવો અને અટુટ તથા ભય વગરનો છે. એ અમૃતમય માર્ગ કેટલાએ લોકોએ પ્રાપ્ત કર્યો છે, આજ પણ કેટલાએ લોકો પ્રાપ્ત કરી રહ્યા છે; પરંતુ જેમના ચિત્તમાં ઉત્સાહજ નથી, તેમના ભાગ્યમાં એ માર્ગમાં જવાનું કદીએ લખાયું નથી. આ પ્રમાણે કહીને સુમેધાએ પોતાનો કાપી નાખેલો અંબોડો અનિકર્તની સમક્ષ મૂક્યો.

રાજા અનિકર્તને સુમેધાના અગાધ જ્ઞાન તથા તીવ્ર વૈરાગ્યની ખાતરી થઈ ગઈ હતી. તેણે સુમેધાનાં માતાપિતાને વિનતિ કરી કે, “સુમેધા સત્યના માર્ગમાં જવા માગે છે; આપ એને ખુશીથી જવા દો.” માબાપે વિદાય આપી. સુમેધા શોક અને ભયરહિત થઈને ભિક્ષુણીરૂપે બહાર નીકળી પડી. પહેલેથીજ ઉચ્ચ શિક્ષણ પામેલી હતી અને પછી ધર્મમાર્ગમાં પડી, એટલે સદ્‌ગુરુના ઉપદેશથી અંતર્જ્ઞાનની છ વિદ્યાઓ તેણે જલદી પ્રાપ્ત કરી લીધી. પોતાના પૂર્વ જન્મોનું પણ એને જ્ઞાન થયું. ત્યાર પછી બુદ્ધદેવના ચરણમાં બેખીને તેણે સંપૂર્ણ શાંતિ અને નિર્વાણ પ્રાપ્ત કર્યા.

થેરીગાથામાં ૪૪૮ થી ૫૫૨ સુધીના શ્લોક તેના રચેલા છે અને તેમાંથી એના ઉન્નત વિચારોનો યથાર્થ પરિચય મળી આવે છે.