પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બૌદ્ધયુગનાં સ્ત્રીરત્નો


રક્ષણ કરે છે; ઉડાઉ થતી નથી અને (૫) સર્વ ગૃહકૃત્યોમાં તત્પર રહે છે.× [૧]

બૌદ્ધકાળમાં ભારતવર્ષની સ્ત્રીઓનો શો દરજ્જો હતો, એ સંબંધમાં ‘પ્રબુદ્ધભારત’માં એક વિદ્વાન લખે છે કે, “ભિક્ષુઓ કરતાં ભિક્ષુણીઓની સંખ્યા ઓછી હતી, પણ સમાજમાં એમને ઘણું ઉચ્ચ સ્થાન મળેલું હતું. એમની વિદ્યા, બુદ્ધિ તથા સમાજ ઉપરની તેમની ખાસ અસર સંબંધી હકીકત આપણને ‘માલતીમાધવ’ જેવા સંસ્કૃત પુસ્તકોમાંથી મળી આવે છે. કોઈ કોઈ ભિક્ષુણી સમનેરા તથા અર્હત્ પદને પણ પામી શકતી હતી. મહાત્મા ગૌતમબુદ્ધના જીવનકાળમાં સુતપિતકની થેરીગાથા અનેક વૃદ્ધ ભિક્ષુણીઓને હાથેજ રચાઈ હતી; એમાંની ઘણીખરી ગાથાઓ ઉત્તમ છે એટલું જ નહિ, પણ સ્ત્રીઓની ઈશ્વરભક્તિ તથા બુદ્ધિનાં જ્વલંત ઉદાહરણ પણ આપણને એમાંથી મળી આવે છે. એમણે નીતિના સિદ્ધાંતો તથા બૌદ્ધધર્મના ઉપદેશોનું વર્ણન બહુજ સરસ રીતે કર્યું છે. એ થેરીઓના ઉપદેશને સાંભળવા સારૂ અનેક ભિક્ષુ તથા ભિક્ષુણીઓ એકઠાં થતાં.

બૌદ્ધ સાહિત્ય સ્ત્રીઓને ઘણું જ ઉચ્ચ સ્થાન આપે છે. સ્ત્રીઓને પહેલાં તો બૌદ્ધ મંદિરોથી દૂર રાખવામાં આવી હતી, પણ ધીમે ધીમે બૌદ્ધ ધર્મનાં મંદિરોની એજ ધણીધોરી થઈ પડી હતી.

બૌદ્ધધર્મની પ્રબળ લહેર બધી જાતિઓમાં ફેલાઈ ગઈ હતી. એના શિક્ષણની અસર બહુજ ઊંડી હતી. એ સમયના રાજવંશ, વણિકસમાજ તથા કારીગરોમાં પણ આદર્શ સ્ત્રીઓનાં એવાં ઉદાહરણ મળી આવે છે, જે ઉપરથી સિદ્ધ થાય છે કે વિદ્યા અને બુદ્ધિ, ધર્મ અને ઉદારતા તથા દાન અને પુણ્યની પ્રવૃત્તિ કોઈ ખાસ ન્યાતની સ્ત્રીઓમાંજ જોવામાં આવતી એમ નહોતું. પ્રત્યેક જાતિ અને પ્રત્યેક વર્ણમાં એ પ્રવૃત્તિ વિદ્યમાન હતી.

બૌદ્ધયુગમાં બાળલગ્ન નહોતાં. કન્યા પુખ્ત વયની થતી ત્યારેજ તેનું લગ્ન થતું. વરની પસંદગીની બાબતમાં તેને સ્વતંત્રતા હતી. વિધવાવિવાહ નીચ જાતિઓમાંજ નહિ પણ ઉચ્ચ જાતિઓમાં પણ થતો હતો. બાળક સમજણું થાય ત્યારેજ તેને પરણાવવાનો


  1. × પ્રોફેસર ધર્માનંદ કાશામ્બીકૃત ‘બુદ્ધલીલાસારસંગ્રહ’માંથી