પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
સંઘમિત્રા



કર્યાં છે તેજ બૌદ્ધધર્મના ખરા મિત્ર છે.”

આચાર્યની એ વાણીએ અશોકના હૃદયને સ્પર્શ કર્યો. તેણે સ્નેહપૂર્ણ નયને સંઘમિત્ર અને મહેંદ્રના તેજસ્વી મુખ તરફ જોયું અને પછી પૂછ્યું: “કેમ, તમે ભિક્ષુધર્મ સ્વીકારવા તૈયાર છો ?”

બન્ને ભાઈબહેન પિતાના મુખમાંથી નીકળેલાં એ વચનો સાંભળીને પોતાનું ધનભાગ્ય ગણવા લાગ્યાં. ધન અને ઐશ્વર્યમાં ઊછરેલાં હોવા છતાં પણ સંન્યસ્તધર્મ ગ્રહણ કરીને ભિક્ષુ અને ભિક્ષુણી બનીશું અને કરુણામય બુદ્ધદેવના દયામય ધર્મનો પ્રચાર કરવા સારૂ આત્મબલિદાન આપીશું, એના કરતાં આ પૃથ્વીમાં બીજું વધારે સુખ કયું હોઈ શકે ? એવા વિચારથી બંને ભાઈબહેને ઘણાં પ્રફુલ્લિત વદને મહારાજા અશોકને જણાવ્યું: “પિતાજી ! આપની આજ્ઞા મળતાંવારજ અમે એ મહાન વ્રત ગ્રહણ કરીને મનુષ્યજન્મ સફળ કરીશું.”

મહારાજાધિરાજ અશોકે એજ વખતે ભિક્ષુઓના સંઘને જણાવી દીધું કે, “આજે મેં ભગવાન તથાગત બુદ્ધદેવના પવિત્ર ધર્મને સારૂ મારાં લાડકાં પુત્ર અને પુત્રીને અર્પણ કર્યાં છે.”

ત્યાર પછી મહેંદ્ર અને સંઘમિત્રા બૌદ્ધધર્મની પ્રચલિત પદ્ધતિ અનુસાર દીક્ષા ગ્રહણ કરીને ભિક્ષુ અને ભિક્ષુણી બન્યાં. ધર્મપાલી અને આયુપાલી નામની બે ભિક્ષુણીઓએ સંઘમિત્રાને ઉત્તમરૂપે ભિક્ષુણીની સાધનાના ઊંડા તત્ત્વોનું શિક્ષણ આપવા માંડ્યું.

અહીંયાં જગાવવું જરૂરનું છે કે, મહાત્મા બુદ્ધદેવના ધર્મમાં સર્વસ્વ ત્યાગી સંન્યાસી અને સંન્યાસિનીનો જે વર્ગ હતો તેજ ભિક્ષુ અને ભિક્ષુણી નામથી ઓળખતો. એ ભિક્ષુ અને ભિક્ષુણીઓ પરણતાં નહિ, પરંતુ કઠોર વૈરાગ્યવ્રત ધારણ કરીને રાતદિવસ ધર્મસાધન અને જીવના કલ્યાણની ચિંતામાં ગૂંથાયલાં રહેતાં. સંઘમિત્રાએ ભિક્ષુણી બનીને બધી જાતનાં સુખની લાલસા છોડી દીધી અને વાસના ઉપર જય મેળવીને ધર્મ સાધન કરવા માંડ્યું.

ભિક્ષુણીઓને સાધારણ રીતે ઉપદેશ આપવામાં આવતો કે, તૃષ્ણા ત્યાગ કરો. થોડામાંજ સંતોષ માનો. ખોટા મોજશોખથી દૂર રહો અને એકાંતમાં રહીને ધ્યાનધારણા તથા ધર્મની સાધના કરો. આળસનો ત્યાગ કરી મહેનતુ બનો. અભિમાન તજી દઈને સુશીલા, વિનયી અને નમ્ર બનો અને બધાની સાથે