પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
સંઘમિત્રા



સંઘમિત્રાનો મોટોભાઈ મહેંદ્ર બત્રીશ વર્ષની વયે ધર્મપ્રચારને સારૂ સિંહલદ્વીપમાં ગયો. સિંહલદેશના રાજા તિષ્ઠ મહેન્દ્રનું આધ્યાત્મિક જ્યોતિથી પ્રકાશિત થયેલું શાંત સુંદર સ્વરૂપ જોઈને વિસ્મય પામ્યા અને અત્યંત શ્રદ્ધા અને આદરપૂર્વક તેને પોતાને ત્યાં રાખ્યો. સિંહલનાં હજારો સ્ત્રીપુરુષો મહેન્દ્રનો ઉપદેશ સાંભળીને બૌદ્ધધર્મ ગ્રહણ કરવા લાગ્યાં.

થોડા દિવસ પછી સિંહલની રાજકુમારી અનુલાએ પાંચસો સખીઓ સહિત ભિક્ષુણીવ્રત લેવાનો સંકલ્પ કર્યો. એ વખતે મહેન્દ્રને લાગ્યું કે, આટલી બધી સ્ત્રીઓને ઉત્તમ રીતે ધર્મનું શિક્ષણ આપવા તથા સિંહલની સ્ત્રીઓમાં ધર્મપ્રચાર કરવા સારૂ એક કેળવાયલી અને ધર્મશીલ ભિક્ષુણીની અત્યંત આવશ્યકતા છે. એટલા માટે એણે પોતાની વહાલી બહેન સંઘમિત્રાને સિંહલ મોકલાવવા સારૂ પિતા અશોકને પત્ર લખ્યો. રાજકુમારી સંઘમિત્રાને હવે ધર્મ સિવાય બીજા કોઈ પાર્થિવ પદાર્થ ઉપર આસક્તિ રહી નહોતી, એટલા માટે એણે જયારે સાંભળ્યું કે, ધર્મપ્રચારની ખાતર દૂર દેશાવર સિંહલદેશમાં ભાઈ મહેન્દ્રની પાસે જવું પડશે ત્યારે એનું હૃદય એકદમ આનંદના સરોવરસમ થઈ ગયું અને એ સરોવરમાં શાંતિરૂપી કમળ ખીલી રહ્યાં. પુણ્યશીલા નારીએ પ્રફુલ્લ ચિત્તે સગાંવહાલાંની માયાજાળ કાપી નાખીને, સિંહલ જવા સારૂ સમુદ્રગામી વહાણમાં પગ મૂક્યો.

એની પૂર્વે બીજી કોઈ ભાગ્યશાળી ભારતરમણી ધર્મ પ્રચારની ખાતર એટલે દૂર દેશાવર ગઈ હતી કે નહિ તે અમે જાણતા નથી; એટલે એ શુભ દિવસ ખરૂં જોતાં ભારતરમણીઓના ઈતિહાસમાં સ્મરણમાં રાખવા યોગ્ય દિવસ છે, એમાં જરા પણ સંદેહ નથી, અનુમાન કરીએ છીએ કે એ દિવસે ભારતનું વહાણ કોઈ નૂતન ગૌરવ અનુભવતું સાગરના તરંગો ઉપર આનંદમાં ડોલતું ડોલતું જતું હશે. સંભવ છે કે એ દિવસે કિનારા ઉપર વસનારા આર્ય નરનારીઓએ વહાણના કિનારા ઉપર ઊભાં રહીને રાજકન્યાના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી હશે.

સંઘમિત્રા સિંહલદેશમાં જઈ પહોંચ્યા પછી તેની તેજસ્વી મુખમુદ્રા, તપસ્વિનીનો વેશ અને અપૂર્વ ધર્મભાવ જોયાથી ત્યાંના સ્ત્રીપુરુષોનાં હૃદયમાં કેવા પ્રકારની ભક્તિ અને વિસ્મય ઉપન્ન થયાં હશે, તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી.