પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

८७–श्रीमती

રાજા બિંબિસાર બુદ્ધદેવનો પરમ ભક્ત હતો. એણે એક દિવસ બુદ્ધદેવને બહુ વીનવીને તેમના ચરણના નખની એક કણી માગી લીધી હતી. એણે કણને કાળજીપૂર્વક પોતાના રાજમહેલના બગીચામાં દાટીને તેના ઉપર એક સુંદર શિલ્પકળાથી વિભૂષિત સ્તૂ૫ રચ્યો.

સંધ્યા સમયે રાજકુટુંબની વહુદીકરીઓ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સુકુમાર હસ્તમાં ફુલની છાબડીઓ લઈ, એ સ્તૂપ આગળ આવતી અને સોનાનાં કોડિયામાં દીપક સળગાવતી.

રાજા બિંબિસારના મૃત્યુ પછી તેનો પુત્ર અજાતશત્રુ ગાદીએ બેઠો. પિતા જેટલો બુદ્ધભક્ત હતો, તેટલોજ પુત્ર બૌદ્ધધર્મનો દ્વેષી હતો. તલવારના બળ વડે એણે બૌદ્ધ ધર્મને પોતાની રાજધાનીમાંથી કાઢી મૂક્યો. વૈદિક યજ્ઞો ફરીથી ચાલુ કર્યા અને તેમાં બૌદ્ધધર્મગ્રંથોને સ્વાહા કરી દીધા. તેણે આખા શહેરમાં ઢંઢેરો પિટાવ્યો કે, “આ જગતમાં વેદ, બ્રાહ્મણ અને રાજા એ ત્રણ ઉપરાંત બીજું કોઈ પૂજા કરાવવાને અધિકારી નથી, જે કોઈ એ વાત ધ્યાનમાં નહિ લે અને તેથી વિરુદ્ધ વર્તશે તેની હું ખબર લઇ લઈશ.”

રાજા બિંબિસારને શ્રીમતી નામની એક દાસી હતી. બુદ્ધદેવ પ્રત્યે એને પરમ ભક્તિ હતી. રાજાની આજ્ઞાથી ડરી જઈને નગરવાસી અનેક સ્ત્રીપુરુષોએ બુદ્ધદેવની પૂજા કરવી છોડી દીધી, ત્યારે શ્રીમતીનું ભક્ત હૃદય કંપી ઊડયું. એણે તો નિશ્ચય કર્યો હતો કે ગમે તે થશે તે પણ હું મારો નિત્યનિયમ નહિ છોડું. ઢંઢેરો પિટાયો તેજ રાત્રે શુદ્ધ, શીતળ જળથી સ્નાન કરીને હાથમાં એક થાળીમાં પુષ્પ તથા દીવો લઈને શ્રીમતી રાજમહિષીની પાસે ગઈ અને સ્તૂપની પૂજા કરવા સારૂ જવાનું સંભાર્યું.