પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
ચંદ્રવતી


ખુલ્લી તલવાર લઈને સિપાઈઓ દોડતા આવ્યા. જોયું તો એક રમણી સ્તૂપની પાસે બેઠી છે. એનાં નેત્ર બંધ હતાં અને હોઠ જરા ફરફરી રહ્યા હતા. રાજાના સિપાઈઓએ પૂછ્યું: “તું આવી રાતે અહીં આવનાર અને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કોણ છે ?” શ્રીમતીએ મધુર સ્વરે ઉત્તર આપ્યો: “હું બુદ્ધની દાસી શ્રીમતી છું.”

નાગી તલવાર એ રમણીની ગરદન ઉપર પડી, મંદિરનો એ શ્વેત પથ્થર લોહીથી રંગાઈ ગયો.

શરદ્‌ની એ સ્વચ્છ રાત્રિએ પ્રાસાદ–કાનનમાં સ્તૂપ આગળના એ આરતીના દીવા ચુપચાપ છેલ્લીવાર હોલવાઈ ગયા. શ્રીમતીનું નામ અમર થઈ ગયું.❋[૧]

८८–चंद्रवती

કાશ્મીરમાં પ્રાચીનકાળમાં ઈસવીસન પૂર્વે ૫૦૫ વર્ષ ઉપર મિહિરકુળ નામનો એક રાજા થઈ ગયો છે. એ રાજા ઘણો પ્રતાપી તેમજ ક્રૂર પણ હતો. સિંહલ દેશને તેણે જીત્યો હતો. તેના જીવનના એક પ્રસંગ ઉપરથી એના સ્વભાવનો પરિચય મળશે. સિંહલ–વિજય કરીને કાશ્મીર પાછા ફરતાં, કાશ્મીરના દરવાજા આગળ તેણે એક હાથીને અકસ્માત્ પહાડ ઉપરથી સરકી પડતો અને ચીસો પાડી પાડીને મરી જતાં જોયો. રાજાને એ દેખાવ જોઇને મજા પડી અને તેણે આજ્ઞા આપીને અનેક હાથીઓને એવી રીતે પહાડ ઉપરથી ધક્કેલીને મારી નાખ્યા. જીવનમાં એવાં અનેક પાપકર્મ કરનાર એ રાજાને પાછળથી પશ્ચાત્તાપ પણ બહુ થયો હતો અને પુણ્યે પાપ ઠેલાય એ વિચારથી પુણ્યદાન કરવા લાગ્યો. એ રાજાએ શ્રીનગરીમાં મિહિરેશ્વર મહાદેવની સ્થાપના કરી. વળી તેણે મિહિરપુર નામનું નગર વસાવી એમાં બહુ અગ્રહાર બંધાવ્યા તથા બ્રાહ્મણોને પુષ્કળ દાન દીધાં.



  1. ❋શ્રીયુત્ રવીન્દ્રનાથ ઠાકુરના ‘પૂજારિણી’ નામના એક સુપ્રસિદ્ધ કાવ્ય ઉપરથી.