પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

९०–वाक्पुष्टा

પ્રકૃતિની લીલાભૂમી–નંદનવન સમાન કાશ્મીરમાં વિક્રમ સંવતનાં ૧૨૬ વર્ષ પૂર્વે તુંજીન નામનો એક પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. એ ઘણો પરાક્રમી, ઉદાર અને દાનશીલ હતો. એની રાણીનું નામ વાક્‌પુષ્ટા હતું. કાશ્મીરનો ઇતિહાસલેખક કહલણ લખે છે કે, “એ બન્ને રાજારાણીએ પૃથ્વીને એવી રીતે અત્યંત ભૂષિત કરી દીધી હતી, કે જેવી રીતે ગંગા અને મૃગાંકના ટુકડાએ શિવજીની જટાને શોભિત કરી રાખી છે; અથવા એ બન્નેએ નાના પ્રકારના વર્ણથી કાશ્મીરને એવી રીતે મનોરમ બનાવ્યું હતું કે, જેવી રીતે વીજળી અને મેઘ મળીને મેઘધનુષ્યની શોભા ઉત્પન્ન કરે છે. એ રાજાએ તુંગેશ્વર નામનું શિવાલય બંધાવ્યું હતું. એક વખત પ્રજાને તડકાનું ઘણું દુઃખ વેઠતી જોઈને એણે સડક ઉપર છાયાવાળાં વૃક્ષો રોપાવવાની ખાસ વ્યવસ્થા કરી હતી. રાજા જેવો પરોપકારી હતો તેવીજ રાળી વાક્‌પુષ્ટા હતી. પોતાની પ્રજાને એ સંતાન સમાન ગણતી હતી અને એમનાં કષ્ટનું નિવારણ કરવાને સદા તત્પર રહેતી.

એ રાજદંપતીનો સંસાર ઘણા સુખમાં વ્યતીત થઈ રહ્યો હતો, એવામાં એમના ઉપર એક ભારે વિપત્તિ આવી પડી. ખરા રાજાઓ પોતાની પ્રજાના સુખમાંજ સુખ અને પ્રજાના દુઃખમાંજ દુઃખ માને છે. રાજદંપતીનાં ધૈર્ય અને મહત્તાની પરીક્ષા કરવા સારૂજ દૈવે કાશ્મીરની પ્રજા ઉપર મહાન આફત નાખી. ત્યાંની ફળદ્રુપ જમીનમાં શરદઋતુમાં તૈયાર થવા આવેલા પાક ઉપર ભાદરવા મહિનામાં અકસ્માત્ એટલો બધો બરફનો વરસાદ વરસ્યો કે જાણે વિશ્વનો સંહાર કરવાને તૈયાર થયેલો સાક્ષાત્ કાળ અટ્ટહાસ્ય કરી રહ્યો હોય એવું દેખાવા લાગ્યું. હિમ પડ્યાથી