પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
વાકપુષ્ટા



અનાજનાં ખેતરોની સાથે સાથે પ્રજાના જીવનની આશા પણ નાશ પામી ગઈ. એ સુંદર દેશમાં ઘોર દુકાળ પડ્યો. લોકોને અન્નના સાંસા પડવા લાગ્યા અને દરરોજ હજારો સ્ત્રીપુરુષો કાળના વિકરાળ મુખમાં પડવા લાગ્યાં. પેટની ઝાળથી વ્યાકુળ થયેલી માતાઓ પોતાના લાડકાં બાળકોના હાથમાં ખોરાકનો કોળિયો ઝૂંટવી લઈને ખાવા તૈયાર થતી હતી. પતિ પત્નીના હાથમાંથી જુવાર પડાવી લેતો અને એવાં અનેક હૃદયવિદારક દૃશ્ય એ દુકાળના સમયમાં દેખાવા લાગ્યાં. ઇતિહાસ કહે છે, કે એ સમયે પેટની જ્વાળાથી પીડાતા ભૂખ્યા મનુષ્યો પત્નીનો પ્રેમ, સંતાનનો સ્નેહ, પિતા પ્રત્યે પૂજ્યભાવ–બધું વીસરી ગયા. અલક્ષ્મીની કૃપાકટાક્ષથી એક કોળિયા ધાનની ખાતર લોકોએ લાજ, શરમ, અભિમાન, કુળનું ગૌરવ આદિ બધા વિચારોને તિલાંજલિ આપી દીધી. જ્યાં જુઓ ત્યાં હાડપિંજર સમાં દેહવાળા મૂર્તિમાન પ્રેતસમા મનુષ્યો એક રોટલીના ટુકડા સારૂ લડી મરતા દેખાતા હતા. એ ભયંકર દુકાળનું વર્ણન કરીને અમે અમારાં વાચકોનો અમૂલ્ય સમય લઈશું નહિ. છપ્પનિયામાં જે લોકોએ બહાર જઈ ગરીબ લોકોની દુર્દશા નિહાળી હશે, તેમને કાશ્મીરના એ ભયંકર દુકાળની કાંઈક કલ્પના આવશે.

કાશ્મીરના સદ્‌ભાગ્યે એ સમયે તુંજીન અને વાક્‌પુષ્ટા જેવાં પરોપકારી, દયાળુ અને પ્રજાવત્સલ રાજારાણી હતાં. એમણે એવી આપત્તિના રામયમાં રાજમહેલમાં બેસી રહીને મોજમજાહ ઉડાવવાનું અયોગ્યજ ધાર્યું. દુકાળથી પીડાતા લોકોનો આર્તનાદ એમની છાતીને વીંધી નાખવા લાગ્યો. તેઓ બહાર આવ્યાં અને પોતાનો બધો ખજાનો, પોતાના સઘળા દરદાગીના પ્રજાના હિતને સારૂ, દુકાળિયાંઓને અન્ન આપવા સારૂ ખુલ્લા મૂક્યા. રાજારાણી જાતે પોળોમાં, રસ્તાઓમાં અને ઘેર ઘેર ફરીને ગરીબોને અન્ન વહેંચવા લાગ્યાં. એમના દર્શન માત્રથી રૈયતનું દુઃખ ચાલ્યું જતું. જંગલ, સ્મશાન, ગલી, ચૌટું, ઘરબાર કોઈ પણ સ્થાન એવું ન રહ્યું કે જ્યાં રાજારાણીએ જાતે જઈને દુઃખી લોકોને ભોજન નહિ કરાવ્યું હોય્. આ પ્રમાણે પ્રજાની સેવા કરતાં કરતાં રાજ્યનો બધો ખજાનો ખાલી થઈ ગયો. વળી પૈસા ખરચીને પણ ખરીદવા ધારે તોપણ દેશમાં અન્નજ ખૂટી ગયું હતું, એટલે રાજા અત્યંત નિરાશ થયો. હવે એનું ધૈર્ય રહ્યું નહિ.