પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



એક દિવસ ભૂખ્યોતરસ્યો આખો દિવસ પરિશ્રમ કરીને રાજા ઘેર આવ્યો અને પ્રજાનું દુઃખ સંભારીને મોટે સાદે વિલાપ કરવા લાગ્યો. એનાં નેત્રમાંથી અશ્રુ દડદડ ટપકતાં હતાં. રાણી વાક્‌પુષ્ટા એ સમયે શયનગૃહમાં ઈષ્ટદેવને પ્રાર્થના કરી રહી હતી કે, “હે પરમાત્મન્ ! અમારા ઉપર દયા કરો. અમારી ગરીબ રૈયતના દુઃખનો પાર રહ્યો નથી. હે કરુણાસાગર ! હે કૃપાળુ ! અમારા સામું જુઓ અને એમનું અન્નનું કષ્ટ નિવારો.” જે સમયે રાણી પ્રાર્થનામાં નિમગ્ન હતી તેજ સમયે પતિનો વિલાપ તેને કાને પડ્યો અને એ આકુળવ્યાકુળ થઈને રાજાના દીવાનખાનામાં ગઈ અને શોક તથા ચિંતાનું કારણ પ્રેમપૂર્વક પૂછવા લાગી. રાજાએ આંસુને રોકીને કહ્યું: “ દેવિ ! મારી તો ખાત્રી થઈ ગઈ છે કે આપણા અપરાધથી જ ગરીબ, નિર્દોષ પ્રજા આ અસહ્ય દુઃખ વેઠી રહી છે. હાય ! મારા જેવા અભાગિયા રાજાને ધિક્કાર છે કે જેની આંખ આગળ દયાને પાત્ર પ્રજા ટળવળી મરે છે. આ પૃથ્વીમાં મારી રાંક પ્રજાને ક્યાંય પણ શરણ રહ્યું નથી. આ ઘોર આફતમાંથી મારી એ લાડકવાઈ રૈયતનું રક્ષણ ન કરી શકું, તો મારૂ રાજા બન્યાનું અને જીવ્યાનું સાર્થકજ શું ? મારાથી બન્યું ત્યાં સુધી મેં એમને બચાવ્યાં અને અન્ન વગર મરવા ન દીધા, પણ હવે શું કરવું ? હવે તો દેશમાં અન્નજ નથી રહ્યું. ઘોર દુઃખસાગરમાં ડૂબેલી મારી આ પ્રજાનો ઉધ્ધાર કેવી રીતે થાય તેનીજ મને ફિકર છે. સૂર્ય વાદળાંઓથી ઘેરાયલો હોવાથી અંધકાર છવાઈ ગયો છે અને કાળરાત્રીએ ચારે તરફથી વિશ્વને ઘેરી લીધું હોય એવો દેખાવ થઈ રહ્યો છે. બરફના પર્વતોને લીધે ચારે તરફનો માર્ગ રોકાઈ ગયો છે અને લોકો કહીં આવજા કરી શકતા નથી, માળામાં બંધ કરેલા પક્ષીના જેવી મારી રૈયતની દશા થઈ છે. રાણિ ! આ દુકાળે તો મોટા મોટા શૂરવીર, બુદ્ધિમાન અને વિદ્વાનોની બુદ્ધિ ચક્રાવામાં નાખી દીધી છે. વહાલિ ! મારા રાજ્યમાં એવા અનેક યોગ્ય પુરૂષો છે કે જે બહાર જઈને પોતાની સલાહ વડે બીજાઓનાં દુઃખ દૂર કરી શકે, પણ અત્યારે કોઈની બુદ્ધિ કહ્યું કરતી નથી.

“આવી સ્થિતિમાં શું કરવું એ મને સૂઝતું નથી, એટલે મેં સળગતી આગમાં ઝંપલાવીને દેહનો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે. મારામાં હવે એટલી શક્તિ નથી રહી કે, મારી નજર આગળ