પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
વાક્‌પુષ્ટા



રૈયતને નાશ પામતી જોઈ શકું. અહા ! ધન્ય છે એ રાજાને કે જે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણીને તેમને સુખી જુએ છે અને પોતે સુખમાં સૂએ છે.” આટલું કહેતાં કહેતાં રાજાનું હૃદય ભરાઈ આવ્યું અને એને ગળે ડૂમો બાઝ્યો. પલંગ પર સૂઈ જઈને મોં ઉપર કપડું ઢાંકીને એ ખૂબ રોવા લાગ્યો.

પતિના મનની વ્યથા રાણી બરાબર સમજી ગઈ. પતિએ ધૈર્યનો ત્યાગ કર્યો એ વખતે રાણી વાક્‌પુષ્ટાએ હૃદયને કઠણ કર્યું અને પતિને ધીરજ ધરવાનો ઉપદેશ પ્રેમમયી વાણીમાં આપવા માંડ્યો: “ રાજન્ ! પ્રજાના પાપને લીધે જ આપની આવી અવળી મતિ થઈ છે કે આપ સાધારણ કાયર મનુષ્યોના જેવી વાતો કરી રહ્યા છો. વીર પુરુષને ન છાજે એવો આત્મહત્યાનો વિચારજ તમને કેમ સૂઝ્યો ? રાજા અસાધ્ય દુઃખોને દૂર ન કરી શકે તો પછી એની મોટાઈ શામાં છે ? સત્યવ્રત રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ દેવતાઓમાં પણ નથી. પતિમાં ભક્તિ રાખવી એ સ્ત્રીઓનું વ્રત છે, માંહોમાંહે દ્રોહ અને કુસંપ ન કરવો એ મંત્રીઓનું વ્રત છે; અને સર્વ પ્રકારે પ્રજાનું પાલન કરનું એ રાજાનું વ્રત છે; માટે હે વ્રતધારીઓમાં શ્રેષ્ઠ ! ઊઠો, મારા વચનને મિથ્યા ન માનશો. પ્રજાપાળ ! ચાલો, આપની પ્રજાનું ભૂખમરાનું દુઃખ ટળી ગયું એમ સમજો. નિરાશ થઈને પડી રહ્યે નહિ પાલવે. આપણા દેહમાં પ્રાણ છે ત્યાંસુધી આપણી ફરજ છે કે રૈયતને બચાવવી. એક પણ મનુષ્યને મૃત્યુના મુખમાંથી બચાવી શકીશું તો આપણું જીવ્યાનું સાર્થક છે. આપણા બધા પ્રયત્ન જ્યારે નિષ્ફળ જશે, પ્રજાજનોમાંથી એકેએક કાળના મુખમાં સપડાઈ જશે, ત્યારે બેશક લાચાર થઈને આપણે બન્ને ચિતામાં ચડીશું; પણ ત્યાંસુધી નિરાશ થવાની કાંઈ આવશ્યકતા નથી. પ્રભુએ આપણી પરીક્ષા લીધી છે. એ પરમ દયાળુ પિતા આપની પવિત્ર નિષ્ઠાનો જરૂર બદલો આપશે. જો મેં સાચા દિલથી પતિસેવા કરી હશે, જો મેં શુદ્ધ મનથી પ્રભુને સેવ્યા હશે, તો એ મને અવશ્ય આ સમયે સહાય કરશે.”

એટલું કહીને રાણી વાક્‌પુષ્ટા એકાગ્રચિત્તે પ્રભુપ્રાર્થનામાં નિમગ્ન થઈ ગઈ. આજે એણે નિશ્ચય કર્યો હતો કે, “પ્રભુને મારી પ્રાર્થનાથી સંતુષ્ટ કરીશ, નહિ તો પતિના પહેલાં હુંજ આ સંસારનો ત્યાગ કરીશ.” રાણીએ કલાકેના કલાકો સુધી દીન પ્રજાની