પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
દેવસ્મિતા



ઘણાજ દુરાચારી, અસભ્ય અને ખરાબ ચાલચલણના હતા. એક દિવસ તેઓ દારૂ પીને મસ્ત બન્યા હતા ત્યારે સ્ત્રીઓનીજ નિંદા કરવા લાગ્યા. મણિભદ્ર પણ નશામાં ચકચૂર હતો. તેણે કહ્યું: “તમે જૂઠા છો. સ્ત્રીઓ ઘણી ભલી અને સુશીલ હોય છે. મારી સ્ત્રી એટલે બધી સતી છે કે, લોકો એને દેવીની માફક પૂજે છે.” એ દુષ્ટ મિત્રોએ મણિભદ્રના ઘરનું ઠામઠેકાણું પૂછી લીધું અને પાછળથી એ લોકોએ એવો ઠરાવ કર્યો કે તામ્રલિપ્તી નગરમાં જઈને, મણિભદ્રની સ્ત્રીને છેતરીને તેનું સતીત્વ ભ્રષ્ટ કરવું અને પછી મણિભદ્રને શરમાવવો.

આ વિચાર કરીને એ દુરાચારીઓ તામ્રલિપ્તી નગરમાં આવ્યા અને એક બુદ્ધમંદિરની ધર્મશાળામાં ઉતારો રાખ્યો. પછી ધીમે ધીમે પોતાના અન્યાયી કામની જાળ તેઓ ગૂંથવા લાગ્યા. એમણે વિચાર્યું કે, કોઈ સ્ત્રીની મદદ વગર એવા કામમાં ફાવી શકાય નહિ, માટે એ મંદિરમાં એક બૌદ્ધ સંન્યાસિની રહેતી હતી, તેને પૈસાટકાની લાલચ આપીને પોતાના પક્ષમાં લીધી. એણે જ્યારે એ કામ પાર ઉતારી આપવાની ખાતરી આપી ત્યારે એ હરામખોરો ઘણા ખુશ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે, “એ ઊંચા કુળની વધૂ આ સંન્યાસિનીના ફંદામાંથી નહિ છુટે, એટલે થોડા દિવસ પછી અમે મણિભદ્રને સ્ત્રીઓની નીચતા અને બેવફાઈ સાબિત કરી આપી શકીશું.”

એ વૃદ્ધ સંન્યાસિનીને બરોબર શીખવીને એ દુષ્ટોએ દેવસ્મિતાને ઘેર મેકલી. સુશીલ, પુણ્યવતી દેવી દેવસ્મિતાએ તેને તપસ્વિની જાણીને એનો સારો આદરસત્કાર કર્યો અને દયા લાવીને પૂછ્યું કે, “હે સંન્યાસિનિ ! આજે આપે અહીં પધારવાની તસ્દી શા માટે લીધી ?”

એ ઢોંગી વૃદ્ધ સાધુડી પોતાની મતલબ છુપાવીને બહારથી ધર્મની વાતો કરવા લાગી. દેવસ્મિતાએ એની ધર્મ સંબંધી વાતોથી પ્રસન્ન થઈને એનો ઘણો સત્કાર કર્યો અને કદી કદી આવતાંજતાં રહેવાની વિનંતિ કરી. એ ડોશીને તો એટલુંજ જોઈતું હતું. એણે જાણ્યું કે હવે મારી મનોકામના પૂરી થવાની. એ દિવસથી એ રોજ દેવસ્મિતાને ઘેર જવા આવવા લાગી.

જ્યારે પરસ્પર વધારે પરિચય થઈ ગયો, ત્યારે એ વૃદ્ધ