પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
દેવસ્મિતા



પાઘડીઓ ઉતારવામાં આવી ત્યારે એમના માથા ઉપર ખરેખાત કૂતરાના પંજાનાં ચિહ્‌ન દેખાયાં, બધા એ ચિહ્‌ન જોઇને ઘણા આશ્ચર્ય પામ્યા. રાજાએ ઘણીયેવાર એ યુવકોને એ ચિહ્‌નોના સબંધમાં ખુલાસો પૂછ્યો પણ શરમના માર્યા એ ચારે જણા ચૂપ રહ્યા. પોતાના બચાવમાં એ એક પણ શબ્દ ન બોલી શક્યા.

દેવસ્મિતાથી હવે ન રહેવાયું. એણે એ પાપીઓના અન્યાયની તથા તેમને પડેલા મારની વાત મૂળથી માંડીને કહી સંભળાવી. રાજા એની વાત સાંભળીને ક્રોધથી તપી ગયો અને એ અપરાધમાં અમને ચારેને કેદની સજા કરી, પરંતુ જ્યારે એમનાં માબાપોએ દેવસ્મિતાને પગે પડીને વિનયપૂર્વક ક્ષમા માગી, ત્યારે એણે રાજાને વિનંતિ કરીને એ લોકોની સજા માફ કરાવી.

રાજાએ સતી દેવસ્મિતાના પતિવ્રત્યધર્મનાં ઘણાં વખાણ કર્યાં અને બહુ ધન તથા અલંકાર આપીને એને માનપૂર્વક તામ્રલિપ્તી નગરમાં વિદાય કરી. મણિભદ્ર પણ પોતાની સ્ત્રીનું ચરિત્ર સાંભળીને ઘણો પ્રસન્ન થયો, તેની બધી શંકાઓ જતી રહી અને એ પણ પોતાની પત્ની સાથે ઘેર ગયો.

મણિભદ્રની માતાને જ્યારે દેવસ્મિતાના બધા વૃત્તાંતની ખબર પડી, ત્યારે તેણે વહુને છાતીસરસી ચાંપીને, પોતાના હૃદયને ઠંડું કર્યું અને પ્રસન્ન થઈ જઈને કહ્યું: “વહુ ! તું દેવી છે, ઈશ્વર તારા સૌભાગ્યને અચળ રાખે. તારા જેવી દેવીઓથી સ્ત્રીજાતિની પ્રતિષ્ઠા વધે છે.” નગરવાસીઓએ જ્યારે આ સમાચાર સાંભળ્યા, ત્યારે તેમના પણ આનંદનો પાર રહ્યો નહિ. દેવસ્મિતા માટે તેમના હૃદયમાં વિશેષ પ્રેમ ઉત્પન્ન થયો.

જે દેશ અને જે જાતિમાં એવી ધર્માત્મા સ્ત્રીઓ ઉત્પન્ન થાય છે, તે દેશ અને તે જાતિને ધન્ય છે !