પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



મુખ્ય ધર્મ જ છે, મેં એમાં અધિક શું કર્યું છે કે આપ આટલી બધી પ્રશંસા કરો છો ? મેં જે કાંઈ કર્યું છે તે પોતાનો ધર્મ ગણીને કર્યું છે, વખાણ કરાવવા સારૂ નથી કર્યું. મહારાજ ! તમે તો જ્ઞાની છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહ્યું છે તે તમે જાણો છો કે, ‘દેવપૂજા, વ્રત, દાન, ઉપવાસ, જપ, તીર્થસ્નાન, યજ્ઞ, આખી પૃથ્વીની પ્રદક્ષિણા, બ્રાહ્મણ અને અતિથિસત્કાર એ બધી વાતો પતિસેવાના સોળમાં ભાગની પણ બરોબર નથી’ વળી કહ્યું છે કે, ‘પતિવ્રતા સ્ત્રીએ પતિને દેવતુલ્ય ગણીને સદા તેનાં હિતકારી કાર્યો કરવાં જોઈએ; કારણકે પતિજ તેનો મિત્ર છે, પતિની સેવાથી જ સ્ત્રીનો જન્મ સફળ થાય છે.’ વળી સ્કંદપુરાણમાં લખ્યું છે કે, ‘તીર્થસ્થાન કરવાની ઈચ્છાવાળી સ્ત્રીઓએ પતિનું ચરણામૃત પીવું જોઈએ. કારણ કે સ્ત્રીને માટે પતિ એજ ભગવાન, વિષ્ણુ અને મહાદેવથી પણ અધિક શ્રેષ્ઠ છે.’ હે સ્વામીનાથ ! આપ તો મહાવિદ્વાન અને શાસ્ત્રના પારંગત છો. આપને હું વધારે શું કહું ? સંસારમાં સ્ત્રીને માટે પતિસેવા કરતાં અધિક સુખ બીજા કશામાં નથી અને એ પતિસેવાજ મેં બજાવી છે, એટલે કાંઈ અધિક કર્યું નથી.”

પત્નીનાં આવાં મધુર વચનો સાંભળીને વાચસ્પતિ મહારાજે ઘણા પ્રસન્ન થઈ જઈને કહ્યું: “પ્રિયે ! તારૂં કહેવું વાજબી છે, વાસ્તવમાં પતિજ સ્ત્રીનું સર્વસ્વ છે, પણ એવું જ્ઞાન ઘણું થોડી સ્ત્રીઓને હોય છે.”

ધન્ય છે ભામતીની પનિભક્તિને ! પતિના સહવાસથી એને પણ વિદ્યાનું વ્યસન લાગી ગયું હતું. એમ કહેવાય છે કે એણે કલ્પતરુ નામક ગ્રંથ ઉ૫ર ટીકા લખી છે.