પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માદ્રીવેઠ્યો નથી. ગંભીર અરણ્ય એ તેને રહેવા લાયક સ્થાન કદાપિ નથી. જ્ઞાનની શોધખોળ કરવા નીકળેલા પતિની સાથે જવું, એ તેને માટે વ્યાજબી નથી. દીકરા ! તારી સાથે એને પણ વનમાં લઈ જવાની જરૂરજ શી છે ? પુત્ર સહિત એને તો ઘર આગળજ રહેવા દે !”

વેસ્સંતરે કહ્યું: “માતા ! મારા પોતાના દેહ ઉપર પણ મારી કોઈ સત્તા નથી, ખાસ કરીને હાલ તો હું મારા ખરીદેલા એક ગુલામને પણ મારી સાથે જવાની ફરજ પાડી શકું એવી દશામાં નથી. માદ્રીની પોતાની મરજી મારી સાથે જંગલમાં આવવાની હોય તો ભલે આવે અને ઘેર રહેવાની ઈચ્છા હોય તો સુખેથી ઘર આગળ રહે.”

માદીકરાની આ પ્રમાણે વાતચીત ચાલી રહી હતી તે સાંભળીને રાજા સંજય પણ આગળ આવીને કહેવા લાગ્યા:―

“દીકરી માદ્રિ ! તમને તો રાજમહેલમાં રહીને ચંદન આદિ સુગંધી દ્રવ્ય શરીરે ચોળવાનો અભ્યાસ છે. અરણ્યમાં જઈ ધૂળથી શરીરને ખરડી નાખવાનો અભિલાષ શા સારૂ કરો છો ? તમે તો કાશીમાં બનેલા લાખ રૂપિયાનાં કિંમતી વસ્ત્ર પહેરનારાં છો, હવે વલ્કલ ધારણ કરવાની અભિલાષા શું કામ કરો છો ? વધૂ – માતા ! અરણ્યનો નિવાસ કાંઈ નાનાં છોકરાંની રમત નથી. સંસારત્યાગી અને દુઃખ વેઠવાના અભ્યાસી સાધુસંતોને તથા રાજ્ય તરફથી સજા પામેલા અપરાધીઓને પણ એ વસમો લાગે છે, તો તમારૂં શું ગજું ? તમે તો શરીર અને મન બન્નેમાં દુર્બળ છો, સહજ વાતમાં ભયભીત થઈ જાઓ છો, અરણ્ય એ તમારે યોગ્ય સ્થાન નથી; માટે મારી એજ સલાહ છે કે, તમે કુમારની સાથે ત્યાં જશો નહિ.”

માદ્રીએ ઉત્તર આપ્યો: “આર્ય ! આપ જે કાંઈ કહી રહ્યા છો તે બધું ખરૂં છે; પરંતુ હું સ્વામીથી વિખૂટી પડીને અંગ ઉપર તેલ, ફૂલેલ, ચંદન વગેરેનો લેપ કરવાની કે, કુમળી સુખશય્યામાં સૂવાની કે, લાખ રૂપિયાના મૂલ્યનાં કાશીનાં વસ્ત્રો પહેરવાની અભિલાષા જરાયે રાખતી નથી. હું તો સ્વામીની સાથે ધૂળવાળા રસ્તાઓમાં ફરવાનું, વલ્કલ ધારણ કરવાનું અને કંદ, મૂળ જે કાંઈ મળે તે ખાઈને, અરણ્યમાં ભોંય ઉપરજ સૂઈ રહેવાનું પસંદ કરૂં છું. એમાંજ હું પરમ સુખ માણું છું. મારે માટે તમે જરાયે