પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જેવાં બાળકોનું શું ! તેમને માટે તો અરણ્ય યોગ્ય સ્થાન નથી જ. તમે એમને મારી પાસે જ રાખતાં જાઓ. તમારાં કરતાં પણ વધારે કાળજી અને લાડથી અમે એમને ઉછેરીશું.”

માદ્રીએ ઉત્તર આપ્યો: “પિતાજી ! આપનાં એ સંતાનોને હું પ્રાણ કરતાં પણ અધિક ચાહું છું. અરણ્યમાં વસતી વખતે, નગર અને રાજમહેલની વાસનાઓ મનમાં જાગી આવશે તે વખતે દુઃખને લીધે મરણતોલ દશા થઈ જશે. એવે સમયે આ સુકુમાર પ્યારાં બાળકોના સુખ સામું જોઈને હું દુઃખ વીસરી જઈશ અને શાંતિ મેળવીશ.”

પરંતુ રાજા સંજયનું ચિત્ત એટલાથી શાંત થયું નહિ, પૌત્ર– પૌત્રીની પ્રત્યે એમને વિશેષ સ્નેહ હતો; એટલે વનનાં દુઃખ ફરીથી ગણાવીને તથા અહીંયાં જે રાજવૈભવમાં બાળકો ઉછરી રહ્યાં છે તેની સાથે સરખાવીને ફરીથી એમને રાજમહેલમાંજ મૂકી જવા સારૂ માદ્રીને આગ્રહ કર્યો. તેના ઉત્તરમાં માદ્રીએ જણાવ્યું: “આર્ય ! આપ જરા પણ ચિંતા રાખશો નહિ. આપનાં પૌત્ર– પૌત્રીની દેખરેખ હુંજ રાખીશ. મને જે કાંઈ ખાવાપીવાનું અને પહેરવાઓઢવાનું મળશે તે પહેલાં એમને આપીને પછી હું કામમાં લઈશ. એમને કોઈ પણ જાતની અડચણ ન પડે તે માટે હું ખાસ કાળજી રાખીશ.”

સસરા અને પુત્રવધૂ માદ્રી વચ્ચે આ પ્રમાણે વાતચીત થતાં થતાં આખી રાત વીતી ગઈ અને પ્રભાત થવા આવ્યું. એ વખતે ચાર ઘોડા જોડેલો રથ મહારાજા સંજયના મહેલને બારણે આવીને વાટ જોતો હતો. માદ્રીદેવી વિનયપૂર્વક સાસુસસરાને પગે પડી, વિદાય માગીને તથા દાસીઓ સાથે છેવટની થોડી મીઠી વાતો કરીને, બાળકોને સાથે લઈ રાજમહેલમાંથી વિદાય થઈ અને રાજા વેસ્સંતરના પણ પહેલાં રથમાં બેસી જઈ તેની વાટ જોવા લાગી.

ત્યાર પછી રાજકુમારે પણ બહુ સન્માનપૂર્વક જનકજનનીની પ્રદક્ષિણા કરીને એ રથમાં પ્રવેશ કર્યો અને બંક પર્વત ભણી પ્રયાણ કર્યું. હજારો દાસદાસીઓ તેમને વળાવવા સારૂ ગયાં.

માદ્રીદેવીના જીવનનો ઉત્તરાર્ધ પણ બોધજનક છે. પવિત્ર સીતાદેવીના ઉચ્ચ ચરિત્રે, પતિભક્તિનો કેવો સુંદર અને ઉજ્જવલ આદર્શ આર્યરમણીઓ આગળ મૂક્યો છે અને સંસ્કારી