પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
માદ્રી



પતિવ્રતા રમણીઓના જીવનમાં એ ઉચ્ચ આદર્શનું કેવી ખૂબી સાથે પુનરાવર્તન થતું રહ્યું છે, તે આ ચરિત્રના અવલોકન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.

વનયાત્રામાં યાચકોએ રાજકુમાર પાસેથી રથ પણ માગી લીધો, એટલે વેસ્સંતરે જલિ નામના પુત્રને તેડી લીધો અને રાણી માદ્રીએ કણ્હાજિના નામની પુત્રીને કેડે બેસાડી. પતિપત્નીએ પગે ચાલીને મુસાફરી કરવા માંડી અને બંક પર્વત ઉપર પહોંચીને એક રમ્ય સ્થાનમાં સુંદર પર્ણકુટિ બાંધીને નિવાસ કરવા લાગ્યાં.

એ પ્રમાણે ઘણો સમય વીતી ગયો. એક દિવસ પતિવ્રતા માદ્રીદેવી પતિને સારૂ સવારના પહોરમાં ફળ, કંદમૂળ તથા પુષ્પ લાવવા સારૂ ગઈ હતી. એવામાં જૂજક નામના એક બ્રાહ્મણે આવીને રાજકુમારને પ્રાર્થના કરી કે, “હું વૃદ્ધ બ્રાહ્મણ છું. મારી પત્નીને દાસદાસીની જરૂર છે, આપ આપનાં પુત્રપુત્રીને આપો તો મારૂં ઘડપણ સચવાય.”

વેસ્સંતર ના કહેવાનું શીખ્યાજ ન હતા. તેમણે બન્ને બાળકો તરતજ બ્રાહ્મણને સોંપી દીધાં. માદ્રીદેવી ફળમૂળ વીણીને આશ્રમમાં આવી, ત્યારે એણે સંતાનને જોયાં નહિ. આકુળવ્યાકુળ થઈને તેણે પતિને સમાચાર પૂછ્યા, પણ તેમણે તો મૌનવ્રત લીધું હતું. રડતી કકળતી રાણી જંગલમાં બાળકોની શોધ કરવા લાગી. એના વિલાપથી અરણ્યવાસી પશુઓનાં હૃદય પણ પીગળ્યાં.

બીજે દિવસે પતિએ પત્નીને બાળકોના દાન સંબંધી ખરી હકીકત કહી, ત્યારે એ શાંત ચિત્તની સતીએ એટલું જ કહ્યું કે, “આપે બાળકોનું દાન કર્યું તેમાં મારી પૂર્ણ સંમતિ છે, પણ આ વાત આપે મને કાલેજ કેમ ન કહી ?”

વેસ્સંતરના દાનની પ્રશંસા સાંભળીને ઇંદ્રને ઘણો ડર લાગવા માંડ્યો કે, આ રાજા પત્નીને પણ કાંઈ દાનમાં ન આપી દે. એકવાર ઈંદ્રે સાધુનો વેશ ધારીને એની કુટિરમાં પ્રવેશ કર્યો અને સદ્‌ગુણી ભાર્યા માદ્રી દાનમાં માગી.

વેસ્સંતરે તરતજ સાધુવેશધારી ઈંદ્રના હાથમાં પાણી મૂકીને પત્નીનું દાન કર્યું. ઈંદ્રે પ્રસન્ન થઈને પોતાનો વેશ બદલીને ખરૂં સ્વરૂપ ધારણ કરીને જણાવ્યું: “મહારાજ ! આ પતિવ્રતા માદ્રી દેવી હવે મારાં થઈ ચૂક્યાં, પણ એક અનામત વસ્તુ તરીકે હું