પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३–मायादेवी

કોળિયા દેશના રાજા મહાપ્રબુદ્ધની જ્યેષ્ટ કન્યા હતાં. દેવદહ નગરમાં એમનો જન્મ થયો હતો. એમના જન્મ સમયે બ્રાહ્મણોએ ભવિષ્યવાણી કહી હતી કે, “આ કન્યાને પટે ચક્રવર્તી કુમાર જન્મ લેશે.” પિતાને ઘેર એમને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળ્યું હતું અને અનેક સદ્‌ગુણોથી એમનું જીવન વિભૂષિત થયું હતું. કપિલવસ્તુના પરાક્રમી રાજા શુદ્ધોદન સાથે એમનું લગ્ન થયું હતું. રાજાએ એમને પટરાણીરૂપે સ્થાપ્યાં હતાં. માયાદેવીમાં મિથ્યા માયા લેશમાત્ર નહોતી. એમનું રૂપ અપૂર્વ હતું. અજ્ઞાનરૂપી અંધકારનો એમણે નાશ કર્યો હતો. પ્રજાની સાથે એમની વર્તણુંક માતા સમાન હતી. સદા એમના કલ્યાણમાંજ પોતે તલ્લીન રહેતાં. મુરબ્બીઓ પ્રત્યે સાક્ષાત્ ભક્તિરૂપ બનીને આજ્ઞાધીનતા દાખવતાં. ટૂંકાણમાં એ કે રાજા શુદ્ધોદનના રાજમહેલમાં તથા તેના આખા રાજ્યમાં દેવી માયા એક લક્ષ્મીસ્વરૂપ હતાં. પ્રજાનો પણ તેમના પ્રત્યે પૂરો આદરભાવ હતો.

જે મહાપુરુષ દ્વારા આખા જગતનું કલ્યાણ થવાનું હતું, ભૂતદયા, મૈત્રી, કરુણા, ક્ષમા આદિ સદાચારોનો સંદેશો જગતને જેની મારફતે સંભળાવવાનો હતો, તેની માતા થવાનું વિધાતાએ સાધ્વી માયાદેવીને માટે નિર્માણ કર્યું હતું.

આષાઢી પૂર્ણિમા પહેલાં સાત દિવસ ઉપર કપિલવસ્તુમાં એક મોટા ઉત્સવનો આરંભ થતો. માયાદેવી સાત દિવસ સુધી ચંદનપુષ્પથી શરીર શણગારી અતિ આનંદથી ઉત્સવમાં ભાગ લેતાં. માયાદેવી તદ્દન નિર્વ્યસની હતાં. દારૂને કદી પણ સ્પર્શ ન કરવાનો એમનો નિયમ હતો અને એ નિયમનું એમણે જિંદગીપર્યંત પાલન કર્યું હતું. બીજાં ક્ષત્રિય સ્ત્રીપુરુષો એ સમયના રિવાજ મુજબ એ ઉત્સવમાં દારૂ પીતાં, પણ માયાદેવી સર્વ પ્રકારના માદક પદાર્થથી અલિપ્તજ રહેતાં.