પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४–महाप्रजापति गौतमी

પવિત્ર સન્નારીનો જન્મ ગૌતમબુદ્ધના જન્મનાં થોડાંક વર્ષ પૂર્વે કોળિયા દેશની રાજધાની દેવદહ (દેવદૃષ્ટ) નામના નગરમાં શાક્યવંશના મહાસુપ્રબુદ્ધને ત્યાં થયો હતો. એમનું ગોત્ર ગૌતમ હોવાથી, એ ગૌતમી નામથી પ્રસિદ્ધ થયાં છે. પૂર્વ જન્મનાં સત્કર્મોને લીધે બાલ્યાવસ્થાથીજ એમનો સ્વભાવ ઘણો સારો હતો. સદાચાર અને કર્તવ્યપરાયણતા એ એમના વિશેષ ગુણ હતા. બુદ્ધદેવનાં માતા માયાવતી એમનાં મોટાં બહેન થાય. જન્મ સમયે બન્ને બહેનોનાં શરીર ઉપર શુભચિહ્‌નો જણાયાં હતાં. જ્યોતીષ અને સામુદ્રિક જાણનારા વિદ્વાન બ્રાહ્મણોએ બન્નેના જન્માક્ષર બનાવીને ભવિષ્યવાણી કહી હતી કે, “એમનાં સંતાન ચક્રવતીં રાજા થશે, પછી ભલે એ મનુષ્યોના પાર્થિવ રાજ્યના કે એમના હૃદયસામ્રાજ્યના રાજા થાય.”

દેવદહ નગરની પાસે રોહિણી નદીને કિનારે કપિલવસ્તુ નામના નગરમાં શુદ્ધોદન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની સાથે ગૌતમી અને તેમનાં બહેન માયાવતીનાં લગ્ન થયાં. વૈશાખ સુદિ પૂર્ણિમાના પુણ્ય દિવસે માયાવતીએ નેપાળની તરાઈમાં લૂંબિની નામક બગીચામાં બુદ્ધદેવને જન્મ આપ્યો. સુવાવડમાં સાતમે દિવસેજ માયાદેવીનું મૃત્યુ થયું. રાજાને હવે ઘણી મોટી ચિંતા થવા લાગી. જે પુત્રના જન્મ સમયે ત્રષિઓએ ઘણી મોટી મોટી આશા બંધાવી હતી, જેનામાં અસંખ્ય શુભ લક્ષણો બતાવ્યાં હતાં, તેની માતા પરલોક સિધાવી. હવે એને ઉછેરવાને માટે સ્નેહાળ, રાગદ્વેષ વગરની, ચતુર, શાંત અને માતૃપદ લેવાને તૈયાર એવી સ્ત્રી ક્યાં ખોળવી ? એના વિચારમાં રાજા નિમગ્ન થયો. મહાપ્રજાપતિ ગૌતમીને એજ સમયમાં નંદ નામનો પુત્ર સાંપડ્યો હતો, એટલે એ પણ નવરાં નહોતાં. માયાદેવીના મૃત્યુ પછી