પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
મહાપ્રજાપતિ ગૌતમી



એમને ‘અગ્રમહિષી’, ‘મહાપ્રજાપતિ’ અને ‘પટરાણી’નું પદ પ્રાપ્ત થયું હતું, એટલે ઘરસંસારની જવાબદારી પણ વધી હતી; પરંતુ સ્વર્ગવાસી બહેન ઉપર એમને નિઃસ્વાર્થ પ્રેમ હતો. વળી પતિની મૂંઝવણ પણ એ પતિવ્રતા સમજી શક્યાં હતાં. બોધિસત્ત્વ જેવા ઉજ્જવળ ભવિષ્યવાળા કુમારને ઉછેરવાનો અને મોટી બહેનના પ્રેમનો બદલો વાળવાનો પ્રસંગ પ્રાપ્ત થયો તો એને કદી પણ પાછો ન ઠેલવો જોઈએ એવો ઉદાર વિચાર કરીને એ પરોપકારી રાણીએ પોતાના પુત્રને એક વિશ્વાસુ દાઈને સોંપી દીધો અને બહેનના પુત્ર ગૌતમને સ્તનપાન કરાવવાનું તથા ઉછેરવાનું પોતે માથે લીધું. ઘણા લાડપૂર્વક પોતાના પેટનું જ સંતાન હોય એ પ્રમાણે એમણે બુદ્ધદેવનું અત્યંત પ્રેમ સહિત લાલનપાલન કર્યું. બાળકમાં અનેક શુભ સંસ્કાર એમણે પોતાના શિક્ષણ અને સહવાસથી દાખલ કર્યા. પ્રૉફેસર ભાગવત વ્યાજબી લખે છે કે, “ગૌતમની પાછલી વયમાં જ્ઞાનલાલસા, દયા, ઉત્સાહ, બુદ્ધિની તીવ્રતા, ઉદ્યોગ, વિશદ દૃષ્ટિ, કાર્યદક્ષતા, નેતા બનવાની કુશળતા વગેરે જે ગુણો જણાયા હતા, તેનું મોટું શ્રેય ગૌતમીનેજ હતું.”

બુદ્ધદેવ સંસારત્યાગ કરીને વનવાસી બન્યા તે સમયે મહાપ્રજાપતિના સ્નેહાળ હૃદયને ઘણો આઘાત પહોંચ્યો હતો. અનેક વર્ષ પર્યંત ઉત્તર ભારતવર્ષમાં મુખ્ય મુખ્ય ગામોમાં ધર્મોપદેશ કરીને બુદ્ધદેવ પોતાના પિતાની રાજધાની કપિલવસ્તુમાં પહોંચ્યા હતા, ત્યાં જઈને પણ એમણે ધર્મોપદેશ કર્યો. એમના પિતા શુદ્ધોદને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને અર્હત્ પદ પ્રાપ્ત કરવાના પ્રથમ પગથિયારૂપ ‘શ્રોતાપન્ન’પદ પ્રાપ્ત કર્યું. બુદ્ધદેવના પુત્ર રાહુલે શ્રમણની દીક્ષા લીધી. થોડા સમય પછી રાજાએ અર્હત્ પદ પામીને મહાનિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી થોડા દિવસમાં ગૌતમીના એકના એક પુત્ર નંદે પણ પોતાના વિવાહ અને રાજ્યાભિષેકને દિવસેજ ઘરબાર છોડી દઈને સંન્યાસધર્મની દીક્ષા ગ્રહણ કરી. તેની પાછળ શાક્યવંશના અનેક ક્ષત્રિયોએ પણ સંસારનો ત્યાગ કરીને દીક્ષા લીધી.

કપિલવસ્તુમાં મહાપ્રજાપતિએ બુદ્ધદેવના ઉપદેશામૃતનું પુષ્કળ પાન કર્યું હતું. એવા મહાજ્ઞાની બોધિસત્ત્વને પોતે સ્તનપાન કરાવ્યું છે, ઉછેરીને મોટા કર્યા છે એ બાબતનું એમને