પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



વિનય સાથે દેહત્યાગ કરવાની–પરિનિર્વાણ લેવાની આજ્ઞા માગી. બુદ્ધદેવે પોતાના સ્વભાવસિદ્ધ કોમળ પણ ગંભીર સ્વરે કહ્યું: “હવે તમારા દેહત્યાગનો સમય થઈ ચૂક્યો છે. હવે ખુશીથી જઈ શકશો.” ત્યાર પછી આનંદ વગેરે સેવકને બોધ આપીને અને ભિક્ષુણીઓને ઉપદેશ આપીને ગૌતમી સમાધિસ્થ થઈ અને એજ દશામાં એનો પવિત્ર આત્મા નશ્વર દેહનો ત્યાગ કરીને નિર્વાણપદને પામી ગયો.

અપદાન તથા થેરીગાથા ગ્રંથમાં એમની રચેલી વાણી છે. એ વાણીમાં બુદ્ધદેવ પ્રત્યે એમની સ્નેહભરી ભક્તિ શબ્દેશબ્દમાં ટપકે છે. એમની રચના ઘણી સરળ અને સુખ આપનારી છે. એ કહે છે કે:–

“હે સુગત ! હું તારી માતા છું અને તું મારો વીર પિતા છે; કેમકે ઉત્તમ ધર્મ શીખવીને મને નવો જન્મ આપીને તું મારો પિતા બન્યો છે. મેં તને લાડ લડાવીને નાનેથી મોટો કર્યો છે, શુદ્ધ અને પવિત્ર ધર્મરૂપી શરીર આપીને તેં મને મોટી કરી છે. મેં તો એક ઘડીભરની તારી તરસ છિપાવવાને સારુ તને ધાવણ ધવરાવ્યું હતું. તેં મને જે ધર્મનું ધાવણ ધવરાવ્યું છે તેથી મને અક્ષય શાંતિ મળી છે. માંધાતા આદિ રાજાઓની માતાનાં નામ ભવસાગરમાં લુપ્ત થઈ ગયાં છે; તારી મા થઈને હું ભવસાગરથી પાર ઉતરી ગઈ છું.

“રાજમાતા, રાજમહિષી એ બધાં નામ સ્ત્રીઓને માટે સુલભ છે, પરંતુ બુદ્ધમાતા એ નામ પરમ દુર્લભ છે. સ્ત્રીઓને ભિક્ષુણી બનવાનો અધિકાર આપવા મેં તમને વારંવાર કહ્યું હતું, એટલા માટે મારો અપરાધ થયો હોય તો હે સુરશ્રેષ્ઠ ! મને ક્ષમા આપજો.

“તમારી આજ્ઞાથી મેં ભિક્ષુણીઓ ઉપર શાસન ચલાવ્યું છે. એ કાર્ય કરવામાં કોઈ જાતની ત્રુટિ રહી ગઈ હોય, તો એને માટે પણ હે ક્ષમાપિતા ! (ક્ષમાના આધાર) મને ક્ષમા આપજો.

“તમે જ્યારે નાના હતા, ત્યારે તમને જોઈને તથા તમારી તોતડી વાણી સાંભળીને આંખ અને કાનને જેટલી તૃપ્તિ નહોતી થઈ, તેટલી તૃપ્તિ તમે આપેલા ધર્મરસના પાનથી થઈ છે.”