પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



પાસે ગોપાની સાથે સિદ્ધાર્થનો વિવાહ કરવાનું માગું મોકલ્યું; પણ ક્ષત્રિયોચિત શૌર્ય, પરાક્રમ આદિ ગુણો કરતાં વિચારશીલ અને તત્ત્વચિંત્વન માટે કુમાર સિદ્ધાર્થ ઘણો પ્રસિદ્ધ હતો; એટલે દંડપાણિએ એવા રાજકુમારને પોતાની કન્યા આપતાં આંચકો ખાધો. સિદ્ધાર્થને એ વાતની ખબર પડતાં એણે જાતજાતની કસરત, ખેલ, અસ્ત્રચાલન, વગેરે ક્ષત્રિયને છાજતા ગુણોમાં અને એ સમયના ઉચ્ચ શિક્ષણમાં પોતાની પ્રવીણતા ઘણી સારી રીતે સાબિત કરી આપી. આ પ્રમાણે કુંવર સિદ્ધાર્થે ક્ષત્રિયોએ અવશ્ય જાણવા યોગ્ય વિષયની પરીક્ષા પાર ઉતારીને ગાયારૂપી સ્ત્રીરત્ન પ્રાપ્ત કર્યું.

મનપસંદ વરને વરીને ગોપા છાયાની પેઠે પતિની અનુગામિની બની. સુખદુઃખમાં ગોપા હમેશાં પતિની સાથેજ રહેતી. દશ વર્ષ સુધી એમનો સંસાર ઘણા સુખમાં વ્યતીત થયો. ગૌતમની બધી ચિંતાઓ સુશીલ પત્નીના પ્રેમને લીધે ચાલી ગઈ. બન્ને સુખી થયાં. આનંદના દિવસો વહી જતાં વાર પણ ન લાગી.

એક દિવસ ગૌતમ સૂઈ રહ્યા હતા, રાત્રિ પૂરી થવા આવી હતી, ચંદ્રમા પશ્ચિમ આકાશમાં ડૂબી રહ્યો હતો, પૂર્વ દિશા સૂર્યનાં તરુણ કિરણોથી રંગાઈ રહી હતી. એવામાં એક ગવૈયો એવી મતલબનું ગીત ગાઈ રહ્યો હતો કે, “આ સંસારમાં કશું નિત્ય રહેવાનું નથી. કાળ બધાની પાછળ લાગી રહેલો છે.” આ ગાયન સાંભળતાં વારજ એમની નિદ્રા ઊડી ગઈ અને ઊંડા વિચારના તરંગો એમના મનમાં ઉત્પન્ન થયા ! વિચારનો પ્રવાહ હવે એ દિશામાંજ વહેવા લાગ્યો. શિકારે જતાં પણ વિચાર આવતો કે, સ્વછંદે રમતા આ નિર્દોષ પશુને મારવાનો મને શો અધિકાર છે ? આવો વિચાર કરીને ઉગામેલું ધનુષ્ય પાછું ખેંચીને ઘેર આવતા. કેટલાક ખેડૂતો પોતાના સ્વાર્થની ખાતર બળદને મારતા અથવા એમની પાસે એટલું વધારે કામ લેતા કે એ પશુઓની પીઠ ઉપર ચાઠાં પડી જતાં. એ જોઇને ગૌતમને દયા આવતી. એક દિવસ સારથિની સાથે રથમાં બેસીને ફરવા જતાં એક વૃદ્ધ પુરુષને જોયો. માણસ વૃદ્ધ શાથી થાય છે, વૃદ્ધાવસ્થામાં શાં દુઃખો છે, પરવશતા કેટલી વધી પડે છે, એ બધું સારથિને પૂછ્યાથી જાણ્યું. એ પણ જાણ્યું કે, પોતાનો સુંદર અને સબળ દેહ પણ એક દિવસ આવી જ રીતે જીર્ણ થશે.