પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જોજણાવી કે, “પહેલું સ્વપ્ન એવું આવ્યું કે જાણે હું એક ધોળો આખલો જોઉં છું. તેનાં શીંગડાં ફેલાયેલાં છે. કપાળમાં એક ચળકતો મણિ છે. એ નગરના દરવાજા તરફ મહાલતો મહાલતો જઈ રહ્યો હતો. કોઈ તેને રોકી શકતું નહિ. એટલામાં ઇંદ્રના મંદિરમાંથી એક વાણી સંભળાઈ: “જો તમે એને રોકશો નહિ તો નગરની કીર્તિ ચાલી જશે.” છતાં કોઈ રોકી શક્યું નહિ. હું મોટે સ્વરે રોતી રોતી એ આખલાને કંઠે વળગી અને રોકવા મથી. લોકોને નગરનાં દ્વાર બંધ કરવાની આજ્ઞા કરી, પણ વૃષભરાજ મારા હાથમાંથી સહેલાઇથી છૂટીને ચાલ્યો અને દરવાજાની ભોગળો તોડીને દરવાનને પગ નીચે ચગદીને ચાલ્યો ગયો.

“વળી બીજું સ્વપ્ન આ પ્રમાણે દીઠું. ચાર દિવ્ય સ્વરૂપો, સુમેરુ પર્વત ઉપર રહેતા દિક્‌પાળ હોય એમ જણાતાં, આકાશમાંથી અસંખ્ય ગણોની સાથે ઊતરીને નગરમાં ઝડપથી પેઠાં. તે સાથે ઇંદ્રલોકના દરવાજા ઉપરનો, સોનેરી વાવટો, ફડફડીને નીચે પડ્યો; ને તે સ્થળે એક તેજસ્વી વાવટો પ્રગટ થયો. તેના કપડામાં રૂપેરી દોરે સીવેલાં માણેક ગૂંથ્યાં હતાં અને તેનાં કિરણો વડે અપૂર્વ અને અર્થભાર ભરેલાં વચનો રચાયાં. તે વચનથી સર્વ જીવતાં પ્રાણીઓ હર્ષિત થયાં. પૂર્વમાંથી સૂર્યોદય સાથે પવન નીકળી એ વાવટો પહોળો થતાં એ વચનો સર્વને સ્પષ્ટ જણાયાં અને અદ્ભુત પુષ્પોની વૃષ્ટિ થઈ.”

સિદ્ધાર્થે ઘણું આશ્વાસન આપી કહ્યું:―

“ઓ મારી મધુરી પદ્મની કળી ! સર્વ છે સ્વપ્નએ રૂડાં, દીઠાં જે તે ફરી.”

ગોપાએ ઉત્તર આપ્યો:―

“સત્ય એ નાથ ! પણ એહ વિરામતાં.
ઘોર વાણી સુણી મેં તો; ‘આવી એ વેળ’ એમ ત્યાં.

“વહાલા ! એ ઉપરાંત મને જે સ્વપ્ન આવ્યું હતું તેની પણ વાત સાંભળો અને પછી કહે કે હું ગભરાઉ કે નહિ ? એ સ્વપ્નું આ પ્રમાણે હતું. હું જાણે આપના પડખામાં ભરાવાનું કરતી હતી તો આપ નહોતા. માત્ર વગર દબાયલો તકિયો અને ખાલી જભ્ભો ! સ્વપ્નમાંજ હું ઊભી થઈ અને મારી છાતી નીચે વીંટેલી આપની માળા–મેખલા બદલાઈ જઈને સર્પ બની ગઈ. પગનાં કલ્લાં સરી પડ્યાં, હાથનાં સોનાનાં કંકણ તૂટીને પડી ગયાં; કેશમાંથી