પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
૩૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



માશી તેમજ ઓરમાન મા થતી હતી. સિદ્ધાર્થની જનની મહામાયા પુત્રના જન્મ પછી સાત દિવસમાં મરી ગઈ હતી. ગૌતમીએ માતાની માફક સિદ્ધાર્થને ઉછેર્યો હતો. ગૌતમીના પુત્ર તરીકેજ સિદ્ધાર્થ ગૌતમબુદ્ધ નામથી પ્રસિદ્ધ થયો.

આ રીતે:—

શોક ભરી બેસી રહી, ને જીવન સુખ સહુ છાંડ્યું;
મધુર રાણી યશોધરાએ, વૈધવ્ય વિરલું માંડ્યું.

આ પ્રમાણે અનેક વર્ષ વીતી ગયાં, રાજા શુદ્ધોદને પુત્રની ઘણી તપાસ કરાવી પણ કાંઈ પત્તો લાગ્યો નહિ. છ વર્ષ સુધી ગૌતમે રાજગૃહની પાસેના વનમાં અને પછી ગયાના ગંભીર અરણ્યમાં તપશ્ચર્યા કરી. આખરે ગયા નગરીની પાસેના એક વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધરતાં ધરતાં એમને અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું. જે જ્ઞાનની શોધમાં હતા તે મળી ગયું. એ જાગ્યા, હૃદયમાં ખરો બોધ થયો એટલે પોતે બુદ્ધ થયા. આ સમયે તેમની ઉંમર ૩૫ વર્ષની હતી. હવેથી એ ભિક્ષુના વેશમાં સર્વત્ર પોતાને જ્ઞાન થયું હતું તે જ્ઞાનનો પ્રચાર કરવા લાગ્યા. હવે આપણે સિદ્ધાર્થને બુદ્ધદેવ, બુદ્ધ ભગવાનના પવિત્ર નામથી સંબોધીશું.

થોડા સમય પછી બુદ્ધદેવ ધર્મનો પ્રચાર કરતા કરતા એક દિવસ કપિલવસ્તુ નગરીમાં પહોંચ્યા, રાણી યશેાધરા એ સમયે પતિવિરહથી દુઃખી બનીને, બાળપુત્ર રાહુલની બાળચેષ્ટાઓ નિહાળતી નદીકિનારે બેઠી હતી અને ઊંડા નિઃશ્વાસ નાખીને મનમાં ને મનમાં પક્ષીઓને કહેતી હતી કે:–

“કદી જઈ ચઢો અકસ્માત,જહિં છૂપ્યા રહ્યા મુજ નાથ;
કહેજો યશોધરાના પ્રણામ, પછી વિનવીને વદજો આમ:
‘સુણવા શબ્દ એક તમ મુખનો, લેવા લ્હાવો ક્ષણ સ્પર્શ સુખનો,
મરણોન્મુખ જીવતી છે દાસી,’ કહેજો એટલું નભવાસી !”

આ પ્રમાણે રાણી શોકોદ્‌ગારો કાઢી રહી હતી, એવામાં દાસીએ આવીને શુભ સમાચાર કહ્યા:—

“રાણીજી ! ઓ રાણીજી ! આવ્યા નવીન કો આપણા;
પુરમાંહિ દક્ષિણ દ્વારથી બે વાણિક હસ્તિનાપુરતણા,”