પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

९–वासवदत्ता

પૂર્વ કાળમાં મથુરા નગરમાં વાસવદત્તા નામની એક વેશ્યા રહેતી હતી. એના અનુપમ સૌંદર્યથી મોહિત થઈ જઈને મથુરાના શેઠિયાઓના અનેક જુવાન છોકરાઓએ પોતાનું સત્યાનાશ વાળ્યું હતું. એક દિવસ બુદ્ધ ભગવાનના શિષ્ય સંન્યાસી ઉપગુપ્તને જોઈને વાસવદત્તા મુગ્ધ થઈ ગઈ. ઉપગુપ્ત બ્રહ્મચારી હતો. તેનું શરીર લાંબું અને હૃષ્ટપુષ્ટ હતું. મુખ લાવણ્યમય હતું અને વિશાળ લલાટ બ્રહ્મચર્યના પવિત્રતેજથી દેદીપ્યમાન થઈ રહ્યું હતું. પ્રેમાકાંક્ષી વારાંગના વાસવદત્તાએ તેને પોતાને ઘેર આવવાને નિમંત્રણ મોકલ્યું, પરંતુ એ જિતેંદ્રિય સંન્યાસીએ શાંત ચિત્તે જવાબ મોકલ્યો કે, “ઉપગુપ્તને માટે વાસવદત્તાને ઘેર જવાનો સમય હજુ આવી પહોંચ્યો નથી.”

જે વાસવદત્તાના સૌંદર્યરૂપ અગ્નિમાં પડીને ભસ્તીભૂત થઈ જવાને મથુરાના કરોડપતિઓ તૈયાર હતા તેજ વાસવદત્તાના સૌંદર્યની એક ભિખારીએ ઉપેક્ષા કરી !!! વાસવદત્તાએ આશ્ચર્ય પામીને વિચાર કર્યો, સંન્યાસી પાસે પૈસા આપવાના નહિ હોય માટે તે આવતાં સંકોચાતો હશે. એટલા માટે એણે ફરીથી ઉપગુપ્તને કહેવરાવ્યું કે, “વાસવદત્તાને તમારી પાસેથી સોનામહોરો જોઈતી નથી. એ તો તમારા પ્રેમની જ ભૂખી છે.” સંન્યાસીએ પહેલાંની પેઠેજ ધીરજથી એનો એજ જવાબ કહેવડાવી દીધો.

કેટલાક માસ વિતી ગયા. એટલામાં વાસવદત્તા મથુરાના એક ધનાઢ્ય પુરુષ ઉપર ખોટો પ્રેમ બતાવીને તેને ફસાવવાનો પ્રપંચ કરી રહી હતી. એવામાં સાંભળવામાં આવ્યું કે, ભારતનો એક પ્રસિદ્ધ શેઠ મથુરામાં આવ્યો છે. ધનના લોભથી એ પાપી વેશ્યાએ તેને પોતાને વશ કરવાનો યત્ન કરવા માંડ્યો અને એ માટે પેલા મથુરાવાસી યુવકની હત્યા કરીને છાણના ઢગલામાં તેના મુડદાને સંતાડી દીધું.