પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



એનાં સગાંવહાલાએ રાજ્યમાં ફરિયાદ કરી અને પોલીસની મદદથી એ ઢગલામાંથી એ મથુરાવાસી યુવકનું શબ ખોળી કાઢ્યું. રાજાની કચેરીમાં મુકદ્દમો ચાલ્યો અને આવું પાપી નિર્દય કામ કરવા માટે, વાસવદત્તાના હાથપગ તથા નાકકાન કાપી નાખીને તેને સ્મશાનમાં નાખી આવવાનો રાજાએ સિપાઈઓને હુકમ આપ્યો.

સ્મશાનની પાસે વાસવદત્તા પડી રહી છે. હાથપગ અને નાકકાનના ઘામાંથી લોહી ધડધડ વહ્યા કરે છે. એનાં વસ્ત્ર પણ લોહીથી તરબોળ થઈ ગયાં છે. કાગડાઓ આવીને તેના શરીરને ચાંચ મારીને તેનું માંસ ખાવા આવે છે. એક દયાળુ દાસી ત્યાં બેસીને એ કાગડાઓને ઉરાડે છે. એવામાં સૌમ્યમૂર્તિ સંન્યાસી ઉપગુપ્ત ત્યાં આવી પહોંચ્યો.

સંન્યાસીને જોતાં વારજ ઘાયલ થયેલો ભાગ ઢાંકી દેવાને વાસવદત્તાએ દાસીને હુકમ કર્યો. ઉપગુપ્તે કરુણામય સ્વરે તેની ખબર પૂછી ત્યારે વાસવદત્તાએ ઊલટી ચિડાઈ જઈને કહ્યું: “એક દિવસ આ દેહ કમળની માફક પોતાના સૌંદર્ય વડે ચારે તરફ સૌને મોહમુગ્ધ કરતો હતો અને એ વખતે હું તમારા પ્રેમની ભિખારણ હતી. એ વખતે આ દેહ મણિમુક્તાથી તથા બારીક મલમલની સાડીઓથી વિભૂષિત હતો. આજે જુલમી રાજાની આજ્ઞાથી હું ઘાયલ થઈ છું. લોહીથી કપડાં મેલાં થઈ ગયાં છે. તમે હવે શા સારૂ આવ્યા ?”

બ્રહ્મચારીએ ઉત્તર આપ્યો “બાઈ ! હું કાંઈ ભોગની ઈચ્છાથી તારી પાસે આવ્યો નથી. દેહનું લાવણ્ય તેં ખોયું છે, પણ તેના કરતાં વધારે ઉત્તમ સૌંદર્ય આપવાને માટે હું તારી પાસે આવ્યો છું.

“તું જ્યારે ચોતરફ લાલચથી ઘેરાયેલી હતી, જ્યારે સંસારની ક્ષણિક ભોગલાલસા તારા હૃદયમાં પ્રબળ હતી, ત્યારે મારા ધર્મનો ઉપદેશ તારા મનમાં કદી વસી શકત નહિ, એટલા સારૂ હું જાણી જોઈને એ દહાડે તારી પાસે આવ્યો નહિ. એ વખતે તું ક્ષણભંગુર રૂપના અભિમાનથી ફુલાઈ ગઈ હતી. જગતત્રાતા “તથાગત” (બુદ્ધદેવ) ના પવિત્ર ઉપદેશ ઉપર એ વખતે તેં કદી ધ્યાન આપ્યું નહોતું, માટે આજ હું એ ઉપદેશ સંભળાવવા તારી પાસે આવ્યો છું.