પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
પ્રભવા


“હાય ! અસ્થાયી બાહ્ય સૌંદર્ય અને ભોગવિલાસમાં તલ્લીન થઈ જવાનું આ કેવું શોચનીય પરિણામ આવ્યું !! સુંદર હૃષ્ટપુષ્ટ દેહનું સૌંદર્ય તને છેતરીને સત્યાનાશને માર્ગે લઈ ગયું છે; પણ વાસવદત્તા યાદ રાખજે કે, એક બીજું સૌદર્ય એવું છે કે જેનો કદી નાશ થતો નથી. પ્રભુ બુદ્ધદેવનો અમૃતમય ઉપદેશ સાંભળવાથી તારા હૃદયને એવી પવિત્ર શાંતિ મળશે તથા એ હૃદય એવું સુંદર બનશે કે, આ જગતમાં ઇંદ્રિયોના ભોગવિલાસથી જે ક્ષણિક સુખ મળે છે, તે એ ચિરકાળના શાશ્વત સુખ આગળ કાંઈજ વિસાતમાં નથી.”

ઉપગુપ્તનો આ મધુર ઉપદેશ સાંભળવાથી વાસવદત્તાનું હૃદય શાંત થયું. આધ્યાત્મિક આનંદને લીધે એ શરીરની વેદના ભૂલી ગઈ. જગતમાં જે પ્રમાણે દુઃખની વેદના છે તે જ પ્રમાણે બીજી તરફ એ દુઃખ કરતાં પણ વધારે મોટી શાંતિ આપનાર આધ્યાત્મિક જ્ઞાન છે.

બુદ્ધધર્મનો આશ્રય લેવાથી આખી જિંદગી પાપાચરણમાં ગાળનાર વારાંગના વાસવદત્તા પણ શાંત ચિત્તે મૃત્યુ પામી.

१०–प्रभवा






પ્રભવા શ્રાવસ્તી નગરીના એક ધનવાન વણિકની કન્યા હતી. તેની સાથે લગ્ન કરવાને અનેક વણિકો તથા રાજકુમારો ઉત્સુક હતા, પણ વણિકકન્યા પ્રભવાએ તેમની બધાની વિનતિનો અસ્વીકાર કર્યો હતો. તેણે ચિરકૌમારવ્રત ધારણ કર્યું હતું. બુદ્ધદેવની પાસે જઈને તેણે નિર્વાણતત્ત્વનું શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષણના પ્રભાવથી એ ઘણી પ્રભાવશાળી સાધ્વી થઈ હતી. નિર્વાણનું તત્ત્વ તેણે ઉત્તમ રીતે હૃદયગત કર્યું હતું તથા ધીમે ધીમે ‘અર્હત્’ પદ પ્રાપ્ત કર્યું હતું. એમ કહેવાય છે કે, એક જન્મમાં એટલું બધું તત્ત્વજ્ઞાન કોઈને પ્રાપ્ત થયું નથી. પ્રભવાને તેના પૂર્વજન્મના અભ્યાસે એટલું બધું અસાધારણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી એમ બૌદ્ધ લોકોનું માનવું છે.