પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
રુકમાવતી



થઇ હોય તો તેમાં ન માનવા જેવું કાંઈજ નથી; કેમકે જે વખતની આ વાત છે તે સમયે દેશમાં ઘણો ભયંકર દુકાળ પડ્યો હતો. ભૂખરૂપી અગ્નિથી બળીને ભસ્મ થઈ જતાં પેટવાળાં નરનારીઓનાં માંહોમાંહેના ત્રાસજનક પોકારથી એ સુંદર શહેર સ્મશાન જેવું લાગતું હતું. ચારે તરફ ભૂખે મરતા લોકો જીભ બહાર કાઢીને પડ્યાં હતાં. શહેર અને શહેર બહારનાં પરાંઓમાંની ઝાડની વેલો પાંદડાંઓ અને ફૂલો, તેમજ ખેતરમાંનાં ઘાસ સુધ્ધાંત દરેક ચીજો નાશ પામીને દુકાળિયાંઓના જઠરાગ્નિને સંતોષવાનું સાધનરૂપ બની હતી. આહાર વગર મૃત્યુના વિકરાળ મોંમાં ફસાઈ પડેલાં નરનારીઓ આમ તેમ તરફડિયાં મારતાં હોવાથી આખા દેશે એક ઘોર સ્મશાનનું રૂપ ધારણ કર્યું હતું.

દયાવતી રુકમાવતીએ જ્યારે જોયું કે સુવાવડમાંથી તરતની ઊઠેલી સ્ત્રી ભૂખની ઝાળથી અધીરી બનીને નવા જન્મેલા બાળકના દેહને ખાઈ જવા તત્પર છે, ત્યારે શું કરવું તેના વિચારમાં તે સ્તંભિત થઈ ગઈ. તે વિચારવા લાગી: “મનુષ્યના હૃદયમાં આટલી હદ સુધી કઠોરતા કેમ પહોંચી હશે ? માતા પોતાના શરીરના પોષણ માટે પુત્રના દેહનું માંસ ઉદરમાં નાખી ભૂખ મટાડવા માગે છે એ શું ભેદભાવ જાહેર નથી કરતું ?” આવા પ્રકારના વિચાર કરતી કરતી રુકમાવતી એજ ભૂખે મરતી નારીની પાસે ગઈ અને તેને કહેવા લાગી કે, “હે ભૂખે મરતી સ્ત્રી ! શાંત થા ! ધીરજ પકડ !” તરત તે કંગાળી સ્ત્રીએ જવાબ આપ્યો “ધીરજ તો ઘણીએ પકડું, પણ ખાઉં શું ? આખા દેશનાં જંગલી શાક, પાંદડાં, વનસ્પતિ તથા ઘાસ સુધ્ધાંત પણ લોકોના પેટમાં જઈને ખૂટી ગયાં છે, તો હવે મારે ખાવું શું પથ્થર ?” રુકમાવતી બોલી: “ધીરજ ધર બહેન ! હું ઘેર જઈને તારે માટે ખાવાની સામગ્રી લઈ આવું છું, તે તું ખાજે, પણ આ તરતના જન્મેલા બચ્ચાને ખાઈ જઈશ નહિ. બહેન જરા સબૂરી રાખ !” એવી રીતે દિલાસો આપીને બુદ્ધિમાન રુકમાવતીએ કેટલાક વખતને માટે એ પિશાચણીને એ દુષ્ટ કામ કરતાં રોકી. તેને પણ એથી જરા હિંમત મળી; પણ દૂરંદેશ રુકમાવતીને તરતજ વિચાર સૂઝ્યો કે, “જો હું ખાવાનું આણવા ઘેર જઈશ અને એટલી વારમાં લાગ મળ્યાથી ભૂખની મારી, પોતાના વચનનું ભાન ભૂલી જઈને, આ અધીરી બનેલી સ્ત્રી બાળકને ખાઈ જાય તો પછી શું કરવું ?