પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


બાળકનો પ્રાણ બચાવવાનો મારો પ્રયત્ન તો નિષ્ફળ જાય ને ? વળી બાળકનું રક્ષણ કરવા માટે એને માતાના ખોળામાંથી જબરદસ્તીથી લઈ જાઉં તો પુત્રવિયોગના શોકથી અને જઠરાગ્નિની વેદનાથી એ અધીરી બનેલી માતા, પોતાનો પ્રાણ ત્યજી દે, તો મને સ્ત્રીહત્યાનું પાપ ન લાગે ? માટે હવે કરવું શું ?” રુકમાવતી ઘણી ગૂંચવાડા ભરેલી સ્થિતિમાં આવી પડી. કોઈ પણ ચોક્કસ ઠરાવ ઉપર આવવું તેને મુશ્કેલ પડ્યું. તે પોતાને એક મોટા ધર્મસંકટમાં આવી પડેલી સમજવા લાગી, પરંતુ વધારે વખત ખોવાનો આ પ્રસંગ નહોતો, એટલે વિશેષ વિલંબ ન કરતાં તે એક ગંભીર નિશ્ચય ઉપર આવી. વહાલી બહેનો ! તમારી અટકળને ખૂબ વેગથી દોડાવો અને પછી કહો કે એ નિશ્ચય શો હશે ?

તેણે પોતાનો પવિત્ર વિચાર પાર પાડવા માટે દૃઢ નિશ્ચય અને ધૈર્યપૂર્વક એક ધારવાળી છરી વડે પોતાનું સ્તન કાપી નાખીને તે સંતાનના લોહીની તરસી, દુકાળથી પીડાતી અને ભૂખથી અધીરી બની ગયેલી સ્ત્રી તરફ ફેંક્યું. તરતજ તે સ્ત્રીએ પોતાનો હાથ લંબાવીને એ માંસપિંડ ગ્રહણ કર્યો અને તેને સ્વાહા કરી ગઈ. આ લાગ જોઈને તે દયાળુ બૌદ્ધ મહિલા, તે સાચી સેવિકા બાળકને ત્યાંથી લઈને ચાલી ગઈ. તેની છાતીમાંથી વહેતી રુધિરની ધારાએ ઉત્પલાવતી નગરીના રાજમાર્ગને રંગી નાખ્યો.

१२–सोमा

શ્રાવસ્તી નગરીમાં “સોમા” નામની એક બ્રાહ્મણની છોકરી થઈ ગઈ છે. તેની બુદ્ધિ અને સ્મરણશક્તિ એવાં પ્રબળ હતાં કે, જે વાત એક વાર સાંભળી તે વાત તેને હમેશાં યાદ રહી જતી. એની એ વાત એની આગળ ફરીથી કહેવાની જરૂર પડતી નહિ. એ અસાધારણ બુદ્ધિ અને સ્મરણશક્તિને લીધે, તેણે બધા બૌદ્ધ ગ્રંથ કંઠાગ્ર કરી દીધા હતા. યોગવિદ્યાનો તેણે સારો અભ્યાસ કર્યો હતો અને તપશ્ચર્યા દ્વારા ઉન્નતિ મેળવીને દુર્લભ ‘અર્હત્’ પદ પ્રાપ્ત કર્યું હતું.