પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



થયો; કારણકે નાનપણથી જ તે બુદ્ધની ઉપાસિકા હતી તથા બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુ સિવાય અન્યને પણ અર્હંત કહે છે એ તેને ખબર ન હતી. ઉતાવળી ઉતાવળી લૂગડાં પહેરીને તે પોતાનો સસરો અને તેના સૌ, અર્હંત જે દીવાનખાનામાં બેઠા હતા ત્યાં ગઈ; પણ તે નગ્ન શ્રમણોને જોઈ તેને અત્યંત તિરસ્કાર છૂટ્યો અને પોતાના સસરાને કહેવા લાગી કે, “મને આપે અહીં શા માટે બોલાવી? આવા નાગા ઉઘાડા લોકો કદી અર્હંત હોઈ શકે ખરા કે ? આવા નિર્લજ્જોને અમે અર્હંત કહેતા નથી.” આ ઉદ્‌ગાર કાઢીને વિશાખા ત્યાંથી ચાલતી થઈ.

આ બાજુ, પેલા શ્રમણોને આ નવવધૂએ પોતાનું અપમાન કર્યા બદલ અતિશય ખોટું લાગ્યું અને તે એકદમ મિગાર શ્રેષ્ઠને ને કહેવા લાગ્યા કે, “હે ગૃહપતિ ! આવી કર્કશાને તું ક્યાંથી પકડી લાવ્યો ? જાણે કે તારા પુત્રને આખા જગતમાં બીજી કન્યાજ મળતી નહોતી ?”

મિગારે કહ્યું: “હજુ તેનો સ્વભાવ છોકારવાદી છે, ધીરે ધીરે સુધારતા જઈશું. તેના આ ઉદ્ધત આચરણ બદલ તેને ક્ષમા કરવી ઘટે છે.”

મિગારે જેમતેમ કરીને નિર્ગ્રંથોને સમજાવીને રસ્તે પાડ્યા અને પોતે દૂધની ખીરથી ભરેલી થાળી લઈ જમવા બેઠા. વિશાખા તેને પંખાથી પવન નાખતી એક બાજુએ ઊભી રહી હતી. એવામાં દ્વાર પાસે એક બૌદ્ધ ભિક્ષુ આવી ઉભો રહ્યો. મિગાર બેઠેલે ઠેકાણેથી તે ભિક્ષુને જોતો હતો, છતાં તેના ભણી પૂર્ણ દુર્લક્ષ્ય કરી તે પોતાના ભોજનમાં એકરસ થઈ ગયો હતો. ત્યારે વિશાખાએ ત્યાંથી જ તે ભિક્ષુને કહ્યું: “આર્ય ! મારો સસરો વાશી ખાય છે. તમે ત્યાં ઊભા ન રહેતાં આગળ વધો.”

વિશાખાના આ શબ્દ કાને પડતાંજ મિગારે અતિશય સંતપ્ત થઈ નોકરોને કહ્યું: “આ ખીર અહીંથી લઈ જાઓ અને આ છોકરીને મારા ઘરમાંથી આજ ક્ષણે હાંકી કાઢો. એ એટલી ઉન્મત્ત થઈ છે કે મારા સમક્ષ મારૂં અપમાન કરતાં પણ એને લાજ આવતી નથી.”

મિગાર જો કે ઘણો ગુસ્સે થયો હતો, તો પણ વિશાખાના અંગને હાથ લગાડવાની તેની કે તેના નોકરોની છાતી ચાલી