પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કે ઘરમાં કોઈ તકરાર વગેરે થઈ હોય, તેની વાત બહાર કહેવી નહિ. બહારની આગ અંદર આણવી નહિ, આ બીજો નિયમ. આનો અર્થ એવો છે કે, આડોશીપાડોશી સાસુસસરાના કે જેઠાણી, દેરાણી કે નણંદના અવગુણ બોલતા હોય, તો તે સમાચાર કોઈને ઘરમાં કહેવા નહિ. આપનારનેજ આપવું એ ત્રીજો નિયમ; અને ન આપનારને ન આપવું એ ચોથો નિયમ. આનો અર્થ એ કે જે કોઈ ઘરમાંની વસ્તુ ઉછીની લઈ જઈ પાછી આપે તેનેજ આપવી, જે આપતો નથી તેને તે ન આપવી. આપનાર કે ન આપનાર હોય તોયે આપવી એ પાંચમો નિયમ પાસેનાં સગાંસંબંધીને લાગુ પડે છે. એટલે પોતાના સંબંધમાં કોઈ દરિદ્રી હોય અને ઉછીની લીધેલી જણસ પાછી આપવાનું સામર્થ્ય તેનામાં ન હોય, તો તેને તે આપવી. સુખેથી બેસવું એ છઠ્ઠો નિયમ, સુખેથી જમવું એ સાતમો નિયમ અને સુખેથી સૂવું એ આઠમો નિયમ. આનો અર્થ એ કે વડીલ માણસો જે ઠેકાણે વારંવાર આવજા કરે તે ઠેકાણે બેસવું નહિ; તેમના જમ્યા પહેલાં પોતે જમવું નહિ; નોકરચાકરોની ખબર કાઢીને પછી જમવું; વડીલ માણસોના સૂતા પહેલાં પોતે સૂવું નહિ, તેમની વ્યવસ્થા કરીને પછી સૂવું. અગ્નિની પૂજા કરવી એ નવમો નિયમ. પતિવ્રતા સ્ત્રીને પતિ અગ્નિ સમાન પૂજ્ય હોવો જોઈએ અને બ્રાહ્મણ જેમ અગ્નિની પરિચર્યા કરે છે, તેમ તેણે પોતાના પતિની કરવી, એ આ નિયમનો અર્થ છે. ગૃહદેવતાની પૂજા કરવી એ દસમો નિયમ, એટલે સાસુસસરા ઇત્યાદિ વડીલ માણસોને ગૃહદેવતા સમજી તેમની સેવા કરવી.”

વિશાખાએ પોતાના પિતાએ બતાવેલા દસ નિયમની આ પ્રમાણે સમજણ આપવાથી તે આઠ કુલીન ગૃહસ્થાએ તેની ઘણી પ્રશંસા કરી અને મિગાર શ્રેષ્ઠીને કહ્યું કે, “આપ ગુસ્સે થઈને આ ડાહી છોકરીને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર થયા છો; પણ એ તમારા ગૃહની લક્ષ્મીજ છે એમ સમજો.”

મિગારે પોતાની ભૂલ કબૂલ કરી અને વિશાખાની ક્ષમા માગી.

વિશાખા બોલી: “આપ વડીલજ છો; એટલે ક્ષમા કરવા જેટલો મોટો અપરાધ આપે કર્યો છે એમ હું ધારતી નથી; પરંતુ માત્ર એક વાતમાં મારે અને તમારે મેળ ખાય એમ લાગતું નથી. હું છું બુદ્ધની ઉપાસિકા અને આપે છો નિર્ગ્રંથના ઉપાસક, એટલે