પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સદાચારી બ્રાહ્મણો ઉપર પણ તેની વિશેષ પ્રીતિ હોવાથી બ્રાહ્મણો પણ તેનાં ઘણાં વખાણ કરતા હતા.

મોક્ષમાર્ગના શેધક, પરમ શાંતિ, પરમ સુખ અને નિર્વાણધર્મના પ્રવર્તક, સ્વયં ભગવાન બુદ્ધદેવને મુખે તેમના અમૃતમચ, ધર્મ અને સંઘની કથા સુદત્તે રાજગૃહ નગરમાં પોતાની બહેનને ઘેર સાંભળી હતી. એ ઉપદેશથી સુદત્તના સંસારનાં દુઃખ અને તાપથી ક્લેશ પામેલા હૃદયે અવર્ણનીય શાંતિ અનુભવી હતી. તેના હૃદયમાં એ દિવસથી કાંઈક અપૂર્વ સુખની રેખા ઉત્પન્ન થઈ હતી. તેણે સંકલ્પ કર્યો હતો કે, “મારી અગાધ દોલતનો ઉપયોગ બૌદ્ધધર્મના પ્રચારમાં કરીશ અને ધર્મચિંત્વન તથા સાધુસેવામાં બાકીનું જીવન ગાળીશ.

બુદ્ધદેવ ઉપર તેને અચળ શ્રદ્ધા અને અટળ ભક્તિ હતી. ચોરાસી કરોડ કાર્ષાપણ (પાંચ રૂપિયાની બરાબરનો સોનાનો એક સિક્કો) ખર્ચીને તેણે શ્રાવસ્તી નગરીની ઉત્તર દિશામાં જેતવન નામના પરમ રમણીય ઉદ્યાનમાં એક મોટો વિહાર બંધાવ્યો હતો. એ સુંદર વિહાર તેણે બુદ્ધદેવ તથા તેમના શિષ્યોને સમર્પણ કરી દીધો હતો. દરરોજ બે હજાર ભિક્ષુકોને તે ભોજન કરાવતો હતો. એ ઉપરાંત અસંખ્ય દીનદુઃખી અનાથો તેને બારણેથી અન્ન મેળવીને બે હાથે આશીર્વાદ આપતા, અનાથોને દરરોજ આહાર કરાવતો હોવાથી વણિક સુદત્ત શેઠ ‘અનાથપિંડદ’ નામથી ઓળખાવા લાગ્યો.

ભગવાન બુદ્ધદેવની ઉપાસિકાઓમાં વિશાખા સૌથી મુખ્ય હતી. તેના જેવી દાનશીલ સેવિકા એ સમયમાં બીજી કોઈ નહોતી. શ્રાવસ્તી નગરીમાં પૂર્વ દિશામાં તેણે ર૭ કરોડ કાર્ષાપણ ખર્ચીને પૂર્ણરામ નામનો એક પરમ રમણીય વિહાર બંધાવી, બુદ્ધ ભગવાનને અર્પણ કર્યો હતો. તેના પિતા મેંડક અંગ દેશના ભદ્રીય નગરના એક જાણીતા ધનૈશ્વર્યશાળી શેઠ હતા. શ્રાવસ્તી નગરના બીજ એક ધનવાન શેઠ મિગારના પુત્ર પુણ્યવર્ધક સાથે તેનું લગ્ન થયું હતું.

આપણી આ ચારિત્રનાયિકા સુજાતા એ વિશાખાની નાની બહેન થાય. અનાથપિંડદના પુત્ર સાથે તેનું લગ્ન થયું હતું. ધનવાન શેઠની કન્યા હોવાથી સુજાતાના મનમાં ઘણું અભિમાન હતું.