પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સમજી શકી નહિ. સરળ ભાષામાં ખુલાસાવાર મને એ ઉપદેશ સંભળાવો, સમજાવ્યા પછી હું ઉત્તર આપીશ.”

ભગવાને કહ્યું: “ત્યારે ધ્યાન દઈને સાંભળ !”

સુજાતા બોલી: “હા પ્રભુ ! સાંભળું છું બોલો.”

ભગવાન બોલ્યા: “જે સ્ત્રી હંમેશાં ક્રોધ કર્યા કરતી હોય,સ્વામીનું ભૂંડું ચાહનારી હોય, પારકા પુરુષ ઉપર મોહી જઈને પતિનું અપમાન કરતી હોય, ધન દ્વારા ખરીદાયલી હોવા છતાં જે ખરીદનારનો વધ કરવા ઉત્સુક હોય એવી સ્ત્રીને વધકાભાર્યા કહે છે.

“શિલ્પ, વેપાર કે ખેતીદ્વારા સ્વામી જે કાંઈ ધન મેળવે છે તેમાનું થોડું પણ ધન ચોરવાની જે સ્ત્રી ઈચ્છા કરે છે અને લાગ આવે ચોરી પણ કરે છે એટલું જ નહિ પણ ચૂલા ઉપર ચડાવેલા આંધણમાંથી દાળચોખા ચોરીને સંતાડી રાખવાનો જે સ્ત્રી યત્ન કરે છે તેને ચોરીસમા કહે છે.

“જે સ્ત્રી કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા કરતી નથી, આળસુ સ્વભાવની હોય છે, એટલે કે સારું ખાધાપીધા વગર અને સારૂં પહેર્યા વગર જેને ચેન પડતું નથી, જેની વર્તણૂંક કર્કશ છે, પ્રકૃતિ ઉગ્ન છે, જે અપ્રિય અને કર્કશ વ્યવહાર કરે છે અને સ્વામીની ઉપર પોતાની મોટાઈ દાખવે છે તે સ્ત્રી પુરુષની આર્યસમા ભાર્યા કહેવાય છે.

“જે સ્ત્રી સર્વદા પતિનું હિત ચાહનારી હોય છે, માતા જેવી રીતે પુત્રનું રક્ષણ કરે છે તેવી રીતે જે સ્ત્રી પ્રાણ સાટે પોતાના પતિની રક્ષા કરે છે, જે સ્ત્રી પતિએ કમાયલા ધનનું યત્નપૂર્વક રક્ષણ કરે છે, તે સ્ત્રી માતૃસમા ભાર્યા કહેવાય છે.

“જે સ્ત્રી ભગિનીની પેઠે સ્વામીની ઉપર સ્નેહ અને ભક્તિ રાખે છે અને જે લજ્જાપૂર્વક સ્વામીની આજ્ઞા મુજબ ચાલે છે તે સ્ત્રી ભગિનીસમા ભાર્યા કહેવાય છે.

“ઘણા સમય પછી મળવા આવેલી સખીને જોયાથી સખીને જે પ્રમાણે આનંદનો અનુભવ થાય છે તેવી જ રીતે જે સ્ત્રી પતિને જોતાંજ આનંદમગ્ન થઈ જાય અને જે કુળના ગૌરવનું રક્ષણ કરનારી શીલવતી અને પતિવ્રતા હોય તે સ્ત્રી સખીસમા ભાર્યા કહેવાચ છે.