પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१७–क्षेमा

ક સમયે ભગવાન બુદ્ધદેવ શ્રાવસ્તી નગરીમાં નિવાસ કરી રહ્યા હતા. એ અરસામાં પ્રસેનજિત અને બ્રહ્મદત્ત નામના બે રાજાઓમાં વાદવિવાદ ઊભો થયો અને એટલો બધો વધી પડ્યો કે એ રાજાઓની વચમાં યુદ્ધ થવાનો પ્રસંગ આવી પહોંચ્યો. એજ સમયમાં દૈવસંયોગથી પ્રસેનજિત રાજાને ત્યાં એક કન્યા અને બ્રહદત્ત રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો. બન્ને રાજાઓએ સૂચના કરી કે આ બન્ને બાળકોનો વિવાહ થઈ જાય તો આપણો વિવાદ બંધ થઈ જાય અને ફરીથી મૈત્રી સ્થાપન થાય. બન્ને જણાએ એ વાત કબૂલ રાખી અને યુદ્ધની તૈયારીઓ બંધ પડી. બિલકુલ શૈશવ અવસ્થામાં–ઘોડિયામાંથીજ પ્રસેનજિતની કન્યા અને બ્રહ્મદત્તના પુત્રની સગાઈ થઈ ગઈ. પ્રસેનજિતની કન્યાનું નામ ક્ષેમા હતું. પ્રસેનજિતે તેને ધર્મ તથા નીતિનું ઊંચું શિક્ષણ આપ્યું હતું. વિવાહ કરવા યોગ્ય ઉંમરની થઈ ત્યારે ક્ષેમાએ સ્પષ્ટ જણાવી દીધું કે, “મારે લગ્ન કરવું નથી. આખી જિંદગી સુધી કૌમારવ્રત પાળીને ધર્મશાસ્ત્રનું અધ્યયન કરવાની મારી ઈચ્છા છે.”

કન્યાની આવી પ્રતિજ્ઞા સાંભળીને પ્રસેનજિત રાજા ઘણા ઊંડા વિચારમાં પડ્યો. એના મનમાં ચિંતા થવા લાગી કે, રાજા બ્રહ્મદત્તના મનમાં એવો શક ઉત્પન્ન થશે કે, “મેંજ ક્ષેમાને એવું બહાનું કાઢવાનું શીખવ્યું હશે. મહામહેનતે તો કજિયાનું મોં કાળું કર્યું હતું. પાછી આ અણધારી પંચાત ક્યાંથી આવી ? આવા આવા વિચારો પ્રસેનજિત રાજાને આકુળવ્યાકુળ કરી નાખવા લાગ્યા. તેણે બ્રહ્મદત્ત રાજાને ખાનગી રીતે પત્ર લખ્યો કે, તમે જલદી આવી જઈને તમારા પુત્રનું લગ્ન ક્ષેમા સાથે