પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કરાવી જાઓ. તત્ત્વજ્ઞાનની પિપાસુ ક્ષેમાને આ વાતની ગુપ્તપણે ખબર પડી ગઈ. તરત જ તે ભગવાન બુદ્ધદેવની પાસે ચાલી ગઈ. ભગવાન બુદ્ધદેવ એ સમયે જેતવનમાં બિરાજતા હતા. બુદ્ધદેવે જોયું કે ક્ષેમા ખરેખર તત્ત્વજ્ઞાન અને ધર્મોપદેશ પ્રાપ્ત કરવાને યોગ્ય છે, એટલે તેમણે પંડે એ રાજકુમારીને ઉપદેશ આપવો શરૂ કર્યો. બુદ્ધદેવના ઉપદેશના પ્રભાવથી ક્ષેમા બૌદ્ધધર્મનું તત્ત્વ શીખી ગઈ અને ષડ્‌રિપુઓના પ્રલોભનને વશ કરી શકી. આ પ્રમાણે તે એક આદર્શ વિદુષી અને સાધ્વી બની. થોડા સમય પછી તેનાં સગાંસંબંધી આશ્રમમાં આવીને તેને બળપૂર્વક ઘેર લઈ ગયાં. પ્રસેનજિત રાજા ક્ષેમાના લગ્નની તૈયારીઓ કરવા લાગ્યો. ધીમે ધીમે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો. પુરોહિતે વર અને કન્યાનો હાથ પકડીને બંનેને લગ્નના પવિત્ર બંધનમાં બાંધવા સારૂ મંત્રોચ્ચારણ શરૂ કર્યું. એટલામાંજ લગ્નના સુંદર પાટલા ઉપર બિરાજેલી ક્ષેમા પાટલા સમેત ધીમે ધીમે ઊંચી થઈને આકાશમાર્ગમાં ઊડવા લાગી. આકાશમાં ઊંચે ગયા પછી તેણે વિવિધ પ્રકારના ચમત્કાર બતાવ્યા. એ ઉપરથી સર્વેને ક્ષેમાની અપૂર્વ શક્તિ અને સિદ્ધિની ખાતરી થઈ. વિવાહના મંડપમાં એકઠાં થયેલાં બધાં સ્ત્રીપુરુષો આ દૃશ્ય જોઈને અવાક્ અને સ્તબ્ધ થઈ ગયાં. ત્યાર પછી બધાએ સવિનય પ્રાર્થના કરીને ક્ષેમાને આકાશમાર્ગમાંથી નીચે ઉતારી. હવે તેની આગળ લગ્નની વાત કરવાની કોઈની હિંમત ચાલી નહિ. લગ્ન બંધ રહ્યું અને ક્ષેમા પિતાની આજ્ઞા લઈને પાછી તપશ્ચર્યા કરવામાં તલ્લીન થઈ ગઈ. પ્રાણાયામ, કુંભક આદિ યૌગિક ક્રિયાઓ વડે ક્ષેમાએ આકાશમાં ઊંચા થવાની શક્તિ પ્રાપ્ત કરી હતી; પરંતુ એ તો ઘણી સાધારણ સિદ્ધિ હતી. ભગવાન બુદ્ધદેવ શ્રીમુખે કહી ગયા છે કે, ક્ષેમાએ આકાશમાં ચડવા કરતાં પણ વધારે પ્રશંસાને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

નિર્વાણ શું છે, મૃત્યુ પછી આત્માની શી દશા થાય છે, વગેરે તત્ત્વોનું રહસ્ય ક્ષેમાએ પોતાના પિતા પ્રસેનજિત રાજાને ઘણી ઉત્તમ રીતે સમજાવ્યું હતું. ધન્ય છે એવી કન્યાને !!