પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


પશ્ચાતાપની વેદનાથી તેનું હૃદય વીંધાઈ જવા લાગ્યું. તેણે તરતજ બુદ્ધદેવના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા તથા પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત સૂચવવાની વિનંતિ કરી. તેનું હૃદય શાંતિ મેળવવા ઉત્સુક બન્યું.

બુદ્ધદેવ ખરેખરા ભક્તવત્સલ હતા. પરમ પતિતપાવન મહાત્મા હતા. બુદ્ધદેવે તેના ઉપર ઘણી દયા આણીને જાતે તેને શિક્ષણ અને ઉપદેશ આપવાનું આરંભ કર્યું. બુદ્ધદેવના ઉપદેશથી તેનું ચરિત્ર બિલકુલ સુધરી ગયું તથા તેમના શિક્ષણથી થોડા સમયમાં એ પરમ વિદુષી બની ગઈ. પાછળથી બૌદ્ધપરિવ્રાજિકા તરીકે જનસેવા કરીને તેણે સારી ખ્યાતિ મેળવી હતી.

१९–शुक्ला

પિલવસ્તુ નગરમાં શુક્લા નામની એક ઘણી સુંદર અને ગુણવતી નારી રહેતી હતી. એ બૌદ્ધધર્મ પાળતી હતી. એક તો તેનું સૌંદર્ય અપૂર્વ હતું અને બીજું એ કે એ પોતાના પિતાની અઢળક દોલતની એ એકલી વારસ હતી. એવી સુંદરીનું પાણિગ્રહણ કરવાને અનેક રાજકુમારો ઉત્સુક રહેતા હતા, પરંતુ શુક્લાના કાન ઉપર બચપણથીજ બુદ્ધદેવના નિર્વાણધર્મ અને વૈરાગ્યતત્ત્વનો અમૃતમય ઉપદેશ પડી ચૂક્યો હતો. પિતાના અતુલ વૈભવનો ત્યાગ કરીને તેણે થોડા સમયમાં આદર્શ તપસ્વિની તરીકે પ્રસિદ્ધિ મેળવી. બૌદ્ધધર્મમાં એવી દંતકથા ચાલે છે કે તપસ્યા કરતાં કરતાં એણે એવી ઉન્નતિ કરી હતી કે તે આખરે ‘અર્હત્’ પદ પામવાને ભાગ્યશાળી થઈ હતી. તેનું ઊંડું તત્ત્વજ્ઞાન તથા તેનો મધુર સારરૂપ ઉપદેશ સાંભળ્યાથી અનેક રાજકુમારોની મોહનિદ્રા ઊડી ગઈ હતી. બૌદ્ધશાસ્ત્રમાં તેનું અગાધ પાંડિત્ય હતું. તેની વિદ્વત્તા જોઈને મોટા મોટા બ્રાહ્મણ પંડિતો પણ આશ્ચર્યચકિત થઈ જતા. અધ્યયન, અધ્યાપન, તપ, દાન અને અતિથિસત્કાર આદિ સત્કાર્યોમાં રાતદિવસ નિમગ્ન રહીને શુક્લા માનવજીવનનું સાર્થક કરી ગઈ છે.