પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ઘેર ભોજન કરવા નિમંત્રણ કરી આવ્યા. બુદ્ધદેવ રાજમહેલમાં પધાર્યા ત્યારે બિંબિસાર રાજાએ વેળુવન નામનો પોતાનો સુંદર બગીચો તથા વિહાર બુદ્ધદેવને તથા ભિક્ષુસંઘને અર્પણ કરી દીધાં. બુદ્ધદેવે એ વેળુવનમાં ઘણા સમય સુધી નિવાસ કર્યો હતો. ક્ષેમાએ બુદ્ધદેવના ગુણની તથા એમના ઉપદેશની ઘણી પ્રશંસા સાંભળી હતી; પણ કોઈ દિવસ એમનાં દર્શને ગઈ નહોતી. કારણ એ હતું કે ક્ષેમાને પોતાના સૌંદર્યનું ઘણું અભિમાન હતું. બુદ્ધદેવને સૌંદર્ય પ્રત્યે અભિરૂચિ નહોતી, એટલું જ નહિ પણ એ પોતાના ભાષણોમાં સૌંદર્યના ઘણા દોષ બતાવતા. આથી એને શંકા રહેતી કે, “મારા રૂપની સૌ કોઈ પ્રશંસા કરે છે પણ ભગવાન એમાં કાંઈ ખોડખાંપણ કાઢશે તો !” એ વિચારથી જ્યારે વેળુવનમાં જવાનો પ્રસંગ આવતો, ત્યારે કાંઈ ને કાંઈ બહાનું કાઢીને એ વાતને ઉડાવી દેતી.

બીજી તરફ રાજા બિંબિસારને એવો વિચાર આવ્યો કે, “હું બુદ્ધદેવનો પરમ ભક્ત, ગુરુદેવ મારા ઉપર કૃપા કરીને મારા ઉદ્યાનમાં બિરાજે છે અને મારી પટરાણી એમનાં દર્શને પણ ન જાય એ કેવું અયોગ્ય ગણાય ? કોઈ પ્રકારે એવી યુક્તિ કરવી જોઈએ કે જેથી પટરાણીના મગજમાંથી સૌંદર્યની ખુમારી જતી રહે અને ગૌતમ બુદ્ધ તરફ તેને ભક્તિ ઉત્પન્ન થાય.”

આખરે એણે એક યુક્તિ શોધી કાઢી. તેણે પોતાના દરબારમાંના ભાટચારણોને બોલાવીને કહ્યું કે, “તમે વેળુવનના સૌંદર્યનું વર્ણન મધુરી કવિતામાં રચો અને મીઠે સ્વરે રાણીને કાને પડે એવી રીતે ગાઓ.”

ભાટે તે પ્રમાણે કર્યું. વેળુવન મૂળ તો હતું જ રળિયામણું સ્થાન ને તેનું વળી કવિતામાં રૂપાંતર થયું. સંગીત અને પ્રભાવશાલી કવિતાની અસર પાષાણ હૃદય ઉપર પણ થાય છે. ભાટને મુખેથી વેળુવનની પ્રશંસા સાંભળીને રાણીને એ સુંદર ઉદ્યાન જોવાની ઉત્કંઠા થઈ અને તેણે રાજાની પરવાનગી માગી. રાજાને તો એટલું જોઈતું જ હતું. તેણે પ્રસન્ન થઈને રજા આપી અને કહ્યું કે, “એટલું ધ્યાનમાં રાખજો કે વેળુવન સુધી જાઓ છો તો પછી ભગવાન બુદ્ધદેવનાં દર્શન કર્યા વગર પાછાં નહિ અવાય.”

ક્ષેમાએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. રાજાએ પોતાના નોકરોને