પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
ખેમા (ક્ષેમા)



કહી રાખ્યું હતું કે, “રાણી પોતાની ખુશીથી બુદ્ધદેવના દર્શને જાય તો ઘણી સારી વાત નહિ તો તમે એમને કહેજો કે, ‘અમને રાજાની આજ્ઞા આપને દર્શન કરવા સારૂ લઈ જવાની છે.’ ગમે તે પ્રકારે દર્શન કરાવીનેજ લાવજો.”

રાતદિવસ અંતઃપુરમાં રહેનારી એ રમણીય બાગને જોઈને ઘણી પ્રસન્ન થઈ. એના ચિત્તને ઘણી શાંતિ વળી. પક્ષીઓના મધુર ગાનથી એના કાનને તૃપ્તિ થઈ. પુષ્કળ ચાલ્યા છતાં એને જરાયે થાક જણાયો નહિ, પાછા ફરતી વખતે નોકરો એને એવે રસ્તે લાવ્યા કે જ્યાં બુદ્ધદેવ બિરાજતા હતા. બુદ્ધદેવે તેને પોતાની તરફ આવતી જોઈને પોતાની ઋદ્ધિના બળ વડે એક સ્વર્ગીય સૌંદર્યની પૂતળી ઊભી કરી. એ પૂતળી હાથમાં પંખા લઈને બુદ્ધદેવને વાયુ નાખી રહી. ક્ષેમાદેવીને એ દૃશ્ય જોતાં વારજ વિચાર આવ્યો કે, “મારા કરતાં અનેકગણી સૌંદર્યવતી આ સુંદરી બુદ્ધદેવની સેવા કરી રહી છે અને હું તો એમનાં દર્શન સુધ્ધાંત કરવા ગઈ નથી, ધિક્કાર છે મારા જીવતરને.” ક્ષણમાત્રમાં એના રૂપનો ગર્વ જતો રહ્યો. આટલું વિચારતાં જ તેની વૃત્તિઓ બહારના સુખ ઉપરથી ઊઠીને અંતર્મુખી થઈ. તે બુદ્ધદેવની પાસે જઈને પગે લાગી. થોડી વારમાં તેણે જોયું કે પેલી તરુણ સ્ત્રી મધ્યમ અવસ્થાને પ્રાપ્ત થઈ છે. વળી થોડી વાર પછી તેને ઘરડી ડોશી બનેલી જોઈ. તેનું રૂપ નાશ પામી ગયું હતું, અંગ ઉપર કાંતિ નહોતી, વાળ ધોળા થઈ ગયા હતા, શરીર કદ્રૂપું થઈ ગયું હતું, બળ રહ્યું નહોતું, દાંત પડી ગયા હતા, કમર વળી ગઈ હતી, થોડી વાર પછી તેણે જોયું તો એ ડોશી મરણ પામેલી.

અભિમાનમાં છકેલી પોતાના રૂપ આગળ સંસારને તુચ્છ ગણનારી ક્ષેમાને વિચાર આવ્યો: “શું મારા શરીરની પણ છેવટે આજ ગતિ થશે ? હું કેવી મૂર્ખ છું કે, અજ્ઞાનમાં આટલું બધું આયુષ્ય ગુમાવ્યું.” હવે તેણે બુદ્ધદેવનું શરણ લીધું. બુદ્ધદેવે તેને ઉપદેશ આપીને ધર્મનું રહસ્ય સમજાવ્યું. ક્ષેમા તીવ્ર બુદ્ધિની અને વિદુષી તો હતી જ. અહંકારનાં પડળ ઊતરી જવાથી હવે એને જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરતાં વાર ન લાગી. થોડા સમયમાં તેને સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો અને તેણે વિધિપૂર્વક થેરી પદ ગ્રહણ કર્યું. થેરી થઈને તેણે એક ગાથા ગાઈ કે, “જે પ્રમાણે પોતે તૈયાર કરેલા જાળામાં કરોળિયો ફસાય છે,