પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

२१-उत्पलवर्णा






ગૌતમબુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીમાં એક શાહુકારના ઘરમાં એનો જન્મ થયો હતો. તેના શરીરનો વર્ણ નીલોત્પલના અન્નગર્ભના જેવો તેજસ્વી અને કાંતિમાન હતો. એટલે જન્મતાંવારજ માતપિતાએ તેનું નામ ઉત્પલવર્ણા પાડ્યું.

દિવસ જતા ગયા તેમ એ શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે વધવા લાગી અને ઉંમરમાં આવી ત્યારે એનું સૌંદર્ય અને ખાસ કરીને એનો કમળ સરખો વર્ણ બધાંનું ધ્યાન ખેંચવા લાગ્યો. જંબુદ્વીપના અનેક રાજ્યાધિપતિઓના રાજકુમારોએ તથા અનેક ધનવાન શેઠિયાઓએ તેના પિતા પાસે માગાં મોકલ્યાં. ઉત્પલવર્ણાનો પિતા હવે મોટા વિચારમાં પડ્યો. બધાને ખુશ કરવા એ અસંભવિત હતું. એકને રાજી કરવા જાય તો બીજા સાથે દુશ્મની બાંધવી પડે એમ હતું. એ ઘણું મૂંઝાવા લાગ્યો. આખરે બહુ વિચાર કરીને એણે એક યુક્તિ શોધી કાઢી; પણ એ યુક્તિ અમલમાં આણી શકાશે કે નહિ તે સંબંધમાં એને ખાતરી નહોતી.

આખરે પોતાની અમૂંઝણ કન્યાની આગળ જણાવી તેનો અભિપ્રાય પૂછવા સારૂ એ ઉત્પલવર્ણાની પાસે ગયો. ઉત્પલવર્ણા ચતુર હતી; પોતાના લગ્નસંબંધથી કેવી વિષમ સ્થિતિ ઉભી થઈ છે અને એના માતપિતા કેવા ગૂંચવાડામાં પડ્યાં છે એ ક્યારનીયે જાણી ચૂકી હતી, પણ વિનયની ખાતર આગળ પડીને એણે પિતાની રૂબરૂ એ વિષય છેડ્યો નહોતો. આજ પિતા તેની પાસે આવ્યા એટલે તેણે ઊઠીને સત્કાર કર્યો તથા પ્રણામ કરીને એમને બેસવાનું આસન આપ્યું. પિતાનું ઉદાસ મુખ જોઈને તે સમજી ગઈ કે આજે પિતાજીના હૃદય ઉપર મોટો ભાર આવી પડ્યો છે અને એ બોજ હલકો કરવા, હૃદય ખાલી કરવા