પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૯૨


માન! દિવસરાત નરકના અગ્નિમાં હું સળગ્યા જ કરું તો યે, રે બેટા ! તારી એ પલવારની વેદનાનું, બાપની સામે જોઈ રહેલી એ ગરીબ નજરનું, ને પિતાએ કરેલા એ વિશ્વાસઘાતનું વેર નહિ વળી રહે.

[ ધર્મરાજા આવે છે… ]

ધર્મ : પધારે રાજન્! જલદી પધારો ! સ્વર્ગના વાસીએા તમારી વાટ જુએ છે.

સોમિક : સ્વર્ગમાં મારું આસન ન હોય, હે ધર્મરાજ ! વિના અપરાધે મેં મારા બાલકને હણ્યો છે.

ધર્મ : અંતરના અનુતાપથી એનું તો પ્રાયશ્ચિત્ત થઇ ચૂકયું છે, રાજા ! એ પાપનો ભાર ભસ્મ થઈ ગયો છે. નરકવાસ તો આ બ્રાહ્મણને માટે છે, જેણે જ્ઞાનના ગુમાનમાં, લગારે પરિતાપ પામ્યા વિના, પારકાના બાલકને માતાના ખોળામાંથી ઝૂંટવીને હણી નાખ્યો છે.

ચાલો પ્રભુ !


પુરોહિત : જશો ના, ચાલ્યા જશો ના, મહારાજ ! ઇર્ષાના ભડકામાં મને બળતો મેલીને અમરલોકમાં એકલા ચાલ્યા જશો ના ! નવી વેદના પ્રગટાવશો ના ! મારે માટે બીજી નરક બનાવશે ના. કૃપાળુ ! રહો, આંહીં જ રહો !

સોમિક : તારી સાથે જ હું રહીશ. રે હતભાગી ! નરકના આ પ્રચંડ અગ્નિમાં આપણે બન્ને મળી યુગયુગાન્તર સુધી યજ્ઞ કર્યા કરશું, હે ધર્મપતિ! આ પુરોહિતનાં પાપ