પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:કુરબાનીની કથાઓ


અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોડ સુધી ઝળહળી રહે.

સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવાં પુષ્પો અને નવી જ્યોતિકાઓ.

વર્ષો વીત્યાં, બિમ્બીસાર રાજા મરણ પામ્યા. યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા. બ્રાહ્મણધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેવડાવીને પિતાનો ધર્મ ઊખેડી નાખ્યો. યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રો સમર્પી દીધાં. રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે “ખબરદાર ! પૂજાનાં ત્રણ જ પાત્રો છે : વેદ, બ્રાહ્મણ અને રાજા. ચોથા કશાની યે પૂજા કરનારનો હું પ્રાણ લઈશ.”

નગરીનાં નરનારીએ કમ્પી ઊઠ્યાં. બુદ્ધના નામનો ઉચ્ચાર બંધ થયો, યજ્ઞની વેદીમાંથી ઠેરઠેર જ્વાલાઓ છૂટી ને ખાઉ ખાઉ કરતી આકાશમાં ચડવા લાગી.

સાદ પડ્યો તે દિવસની સાંજ આવી. રાજમહેલની એક દાસી નહાઈધોઈને તૈયાર થતી હતી; ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી. એના હોઠ ઉપર બુદ્ધદેવના નામોચ્ચાર રમતા હતા.

એવી તે એ નારી કોણ છે ? કાં એને ભય નથી ? એણે શું રાજઆજ્ઞા નથી જાણી ?

શ્રીમતી નામની એ દાસી હતી. રોજ સાંજે રાજરમણીઓ સ્તુપની પૂજા કરવા જાય ત્યારે આ અભણ ને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી, હાથમાં ઉપાડી, પૂજનારીઓની સાથે જતી, જઈને આઘે એક ખૂણામાં ઊભી રહેતી, કાંઈ આવડે